ઈસ્ટ ઝોને ઉત્તર પૂર્વ ઝોનને એક ઇનિંગ અને 210 રને હરાવ્યું, શાહબાઝ અહમદ બન્યા ‘મેન ઓફ ધ મેચ’
બેંગલુરુ:
ઈસ્ટ ઝોને દિલિપ ટ્રોફી 2026ની ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સના મેદાન પર રમાયેલી આ મેચમાં ઈશાન કિશનની કપ્તાનીવાળી ઈસ્ટ ઝોનની ટીમે ઉત્તર પૂર્વ ઝોનને માત્ર ત્રણ જ દિવસમાં એક ઇનિંગ અને 210 રનના મોટા માર્જિનથી પરાજય આપ્યો છે.
પ્રથમ ઇનિંગમાં ઈસ્ટ ઝોનનો શાનદાર સ્કોર અને ઉત્તર પૂર્વ ઝોનની નબળી બેટિંગ
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈસ્ટ ઝોને શાનદાર પ્રદર્શન કરીને પોતાની પહેલી ઇનિંગમાં વિશાળ 467 રન બનાવ્યા હતા. આ વિશાળ સ્કોરના જવાબમાં ઉતરેલી ઉત્તર પૂર્વ ઝોનની ટીમ દબાણમાં આવી ગઈ હતી. ઉત્તર પૂર્વ ઝોનની પહેલી ઇનિંગ માત્ર 111 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ ફોલોઓન રમવા ઉતરેલી ઉત્તર પૂર્વ ઝોનની ટીમ બીજી ઇનિંગમાં પણ ખરાબ પ્રદર્શન કરતી જોવા મળી હતી અને સમગ્ર ટીમ 146 રનમાં જ આઉટ થઈ ગઈ હતી.
અનુકૂલ રોયની ઘાતક બોલિંગ અને શાહબાઝ અહમદનું ઓલરાઉન્ડ પ્રદર્શન
ઉત્તર પૂર્વ ઝોનની બીજી ઇનિંગની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ઓપનર અર્પિત સુભાષ ભટેવારા માત્ર 1 રન બનાવીને મુકેશ કુમારનો શિકાર બન્યા હતા. જોસેફ લાલથમ્કુમાએ 44 બોલમાં 9 રનનું યોગદાન આપ્યું હતું. ટીમની 90 રનમાં 8 વિકેટ પડી ગયા બાદ આકાશ ચૌધરી અને ફેરોઈઝમ જોતિને 9મી વિકેટ માટે 39 રનની ભાગીદારી નોંધાવી હતી. જોતિએ 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સૌથી વધુ 39 રન બનાવ્યા હતા, પરંતુ તેમ છતાં ટીમ 146 રનમાં ઓલઆઉ થઈ ગઈ હતી.
ઈશાન કિશનની કપ્તાનીવાળી ઈસ્ટ ઝોન તરફથી ડાબોડી સ્પિનર અનુકૂલ રોયે ઘાતક બોલિંગ કરતા સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પણ બે સફળતા મળી હતી. અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બીજી ઇનિંગમાં પણ કોઈ વિકેટ મેળવી શક્યા નહોતા અને તેમણે 5 ઓવરમાં 10 રન આપ્યા હતા.
ઓલરાઉન્ડ પ્રદર્શન માટે ઈસ્ટ ઝોનના સ્ટાર ખેલાડી શાહબાઝ અહમદને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે સાતમાં નંબર પર બેટિંગ કરતા શાનદાર 167 રનની ઇનિંગ રમી હતી, જેમાં 17 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. આ ઉપરાંત બોલિંગમાં તેમણે પહેલી ઇનિંગમાં 3 અને બીજી ઇનિંગમાં 1 વિકેટ ઝડપી હતી.
સેમિફાઇનલમાં સેન્ટ્રલ ઝોન સામે થશે મુકાબલો
આ શાનદાર જીત સાથે ઈસ્ટ ઝોને દિલિપ ટ્રોફીના સેમિફાઇનલમાં સત્તાવાર એન્ટ્રી કરી લીધી છે. આગામી 30 ઓગસ્ટથી શરૂ થનારા સેમિફાઇનલ મુકાબલામાં ઈસ્ટ ઝોનનો સામનો સેન્ટ્રલ ઝોન સામે થશે, જેને સીધી સેમિફાઇનલમાં એન્ટ્રી મળી હતી.
