સુરતમાં હોટફિક્સ અને પ્લાસ્ટિક કચરાના ઉકેલ માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની SMC સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક

Spread the love

સ્વચ્છતા સાથે નાના વેપારીઓ અને કારીગરોની રોજગારીનું પણ રક્ષણ થાય તે દિશામાં વ્યવહારુ ઉકેલ શોધવા ચર્ચા

સુરત:

સુરત શહેરના પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ સહિતના વિસ્તારોમાં પ્લાસ્ટિક તેમજ હોટફિક્સ કચરાના નિકાલને લઈને ઉભી થયેલી સમસ્યાના ઉકેલ માટે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સક્રિય બન્યા છે. આ મુદ્દે મંત્રીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં શહેરની સ્વચ્છતા જળવાઈ રહે અને નાના વેપારીઓ તથા કારીગરોની આજીવિકા પર પ્રતિકૂળ અસર ન થાય તે રીતે વ્યવહારુ ઉકેલ શોધવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

હોટફિક્સ કચરાના નિકાલની વિશિષ્ટ સમસ્યા

હોટફિક્સ કચરો મુખ્યત્વે ઔદ્યોગિક કચરાની શ્રેણીમાં આવે છે. તે સિંગલ-યુઝ પ્લાસ્ટિક ઉપરાંત તેની એક બાજુ ગુંદરનું પડ ધરાવતો હોવાથી તેનું રી-પ્રોસેસિંગ અને રિસાયક્લિંગ કરવું મુશ્કેલ બને છે. પરિણામે તેના વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ નિકાલ માટે ચોક્કસ અને વ્યવસ્થિત પ્રક્રિયા જરૂરી બને છે. આ પ્રકારના કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે મહાનગરપાલિકા દ્વારા પણ જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મેયર સહિતના અધિકારીઓ સાથે ચર્ચા

હોટફિક્સ અને પ્લાસ્ટિક કચરાના મુદ્દે યોજાયેલી ચર્ચામાં સુરતના મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, સુરત કલેક્ટર તેજસ પરમાર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ સિવાન સહિત ઝોનલ અધિકારીઓ જોડાયા હતા. બેઠક દરમિયાન હોટફિક્સ સહિતના પ્લાસ્ટિક કચરાના સંગ્રહ, વ્યવસ્થાપન અને નિકાલ અંગે વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

રહેણાંક વિસ્તારોમાં યુનિટ્સથી સ્થાનિક સમસ્યા

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે હોટફિક્સ કચરો ઔદ્યોગિક કચરાની શ્રેણીમાં આવતો હોવાથી તેનો યોગ્ય નિકાલ કરવાની પ્રાથમિક જવાબદારી સંબંધિત ઉદ્યોગોની છે. જોકે, હોટફિક્સના કેટલાક યુનિટ્સ રહેણાંક વિસ્તારોમાં કાર્યરત હોવાથી સ્થાનિક સ્તરે કચરાના નિકાલ સહિતની સમસ્યાઓ ઊભી થાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને SMC દ્વારા કચરાના યોગ્ય નિકાલ માટે વ્યવહારુ વિકલ્પો પર કામગીરી શરૂ કરવામાં આવી છે.

નાના વેપારીઓની આજીવિકા જળવાય તેવો અભિગમ

મંત્રી પાનશેરીયાએ ભારપૂર્વક જણાવ્યું કે સમગ્ર પ્રશ્નનું નિરાકરણ માત્ર વહીવટી કે રાજકીય દૃષ્ટિકોણથી નહીં, પરંતુ સંવેદનશીલ અને ઉકેલલક્ષી અભિગમ સાથે લાવવાનો પ્રયાસ છે. સરકાર માટે શહેરની સ્વચ્છતા જેટલી મહત્વપૂર્ણ છે, તેટલી જ મહત્વપૂર્ણ નાના વેપારીઓ અને કારીગરોની રોજગારી છે. તેથી કોઈ નિર્ણયના કારણે નાનામાં નાના માણસની આજીવિકા પર વિપરીત અસર ન થાય તેની કાળજી રાખવામાં આવશે.

આગામી સમયમાં અલગ પ્લોટ ફાળવવાની દિશામાં વિચારણા

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે સુરતની સ્વચ્છતા તેની આગવી ઓળખ છે અને પ્લાસ્ટિક કચરાનું સુચારુ વ્યવસ્થાપન જરૂરી છે. નાના પરિવારો તથા સ્થાનિક સ્તરે કામ કરતા લોકો માટે હોટફિક્સ અને પ્લાસ્ટિક કચરાના નિકાલની સમસ્યા હળવી થાય તે માટે આગામી સમયમાં SMC દ્વારા અલગ પ્લોટની ફાળવણી અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. સ્વચ્છતા અને રોજગારી વચ્ચે યોગ્ય સંતુલન જાળવીને શહેરને વધુ સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

‘અંત્યોદય’ના મંત્ર સાથે ઉકેલ લાવવાનો પ્રયાસ

મંત્રી પાનશેરીયાએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ‘અંત્યોદય’ અને ‘સર્વસમાવેશી વિકાસ’ના મંત્ર સાથે કાર્ય કરી રહી છે. તેથી હોટફિક્સ કચરાના નિકાલ અંગેનો કોઈપણ નિર્ણય લેતી વખતે પર્યાવરણ અને જાહેર સ્વચ્છતા સાથે નાના વેપારીઓ, કારીગરો અને કામદારોના હિતને પણ ધ્યાનમાં લેવામાં આવશે. આ સમગ્ર મુદ્દે SMC સાથે સંકલન કરીને ટકાઉ અને વ્યવહારુ ઉકેલ લાવવાની દિશામાં કામગીરી આગળ વધારવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *