અમદાવાદ અને ગાંધીનગરની ટીમ ફાઇનલમાં, સબ-જૂનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જોરદાર મુકાબલા

Spread the love

અમદાવાદે વડોદરાને 5-4થી અને ગાંધીનગરએ રાજકોટને 6-0થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું

ગાંધીનગર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં મંગળવારે રમાયેલી સેમિફાઇનલ મેચોમાં અમદાવાદ અને ગાંધીનગરની ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બંને સેમિફાઇનલમાં ખેલાડીઓએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું.

અમદાવાદ-વડોદરા વચ્ચે રોમાંચક મુકાબલો

પ્રથમ સેમિફાઇનલમાં અમદાવાદ અને વડોદરાની ટીમો વચ્ચે અત્યંત રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. મેચના અંતિમ ક્ષણો સુધી બંને ટીમો વચ્ચે જીત માટે ભારે સંઘર્ષ રહ્યો હતો. હાફ ટાઇમ સુધી બંને ટીમોનો સ્કોર 3-3 રહ્યો હતો.

મેચના અંતિમ તબક્કામાં બંને ટીમો તરફથી એક પછી એક ગોલ થતાં મુકાબલો વધુ રોમાંચક બન્યો હતો. અંતે અમદાવાદની ટીમે 5-4થી વિજય મેળવી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. અમદાવાદ તરફથી અવિજિત પટેલે 3 ગોલ જ્યારે માનવ પટેલે 2 ગોલ નોંધાવ્યા હતા. વડોદરા તરફથી યુગ પગીએ 3 ગોલ અને મિતાન્સ પટેલે 1 ગોલ કર્યો હતો.

ગાંધીનગરનો રાજકોટ સામે દમદાર 6-0થી વિજય

બીજી સેમિફાઇનલમાં ગાંધીનગરની ટીમે રાજકોટ સામે એકતરફી પ્રદર્શન કરતાં 6-0થી શાનદાર વિજય મેળવ્યો હતો. ગાંધીનગર તરફથી વિષ્ણુ કરીરે 3 ગોલ કરીને હેટ્રિક નોંધાવી હતી. જ્યારે રિશીત રાણા, હાર્દિક કુમાર અને દૂરવેશ પાગરેએ એક-એક ગોલ કર્યો હતો.

રાજકોટની ટીમને ગોલ કરવાની કેટલીક તકો મળી હતી, પરંતુ ગાંધીનગરની મજબૂત ડિફેન્સ લાઇન સામે તેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. ગાંધીનગરના ખેલાડીઓએ સમગ્ર મેચ દરમિયાન શિસ્તબદ્ધ અને આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું.

AIFFના ડેપ્યુટી સેક્રેટરી જનરલની ઉપસ્થિતિ

સેમિફાઇનલ મેચો દરમિયાન ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ના ડેપ્યુટી સેક્રેટરી જનરલ એમ. સત્યનારાયણ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મેદાન પર ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને ટુર્નામેન્ટમાં યુવા ખેલાડીઓના પ્રદર્શનને બિરદાવ્યું હતું.

ગુજરાતની નેશનલ ટીમ માટે ખેલાડીઓની પસંદગી

આ ટુર્નામેન્ટ ગુજરાતના યુવા ફૂટબોલ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે 30 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે, જ્યારે 5 ખેલાડીઓને સ્ટેન્ડબાય તરીકે પસંદ કરવામાં આવશે. આ પસંદગીથી રાજ્યના પ્રતિભાશાળી સબ-જૂનિયર ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે.

અમદાવાદ અને ગાંધીનગરની ટીમો હવે ફાઇનલમાં આમને-સામને ટકરાશે, જ્યાં ટાઇટલ માટે બંને ટીમો વચ્ચે રસાકસીભર્યો મુકાબલો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *