ગુજરાત સુપર લીગ સિઝન-3માં અમદાવાદ એવેન્જર્સે જીત સાથે શરૂઆત કરી, અંતિમ ક્ષણોમાં બશીદે નિર્ણાયક ગોલ કર્યો
અમદાવાદ
ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ સિઝન-3માં બીજા દિવસે રમાયેલી રોમાંચક મેચમાં અમદાવાદ એવેન્જર્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન વડોદરા વોરિયર્સ એફ.સી.ને 2-1થી હરાવી શાનદાર શરૂઆત કરી છે. બંને ટીમો વચ્ચેની મેચ અંતિમ ક્ષણ સુધી રોમાંચક રહી હતી અને અમદાવાદની ટીમે છેલ્લી મિનિટોમાં નિર્ણાયક ગોલ કરીને વિજય પોતાના નામે કર્યો હતો.
પ્રથમ હાફમાં બંને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર
મેચની શરૂઆતથી જ બંને ટીમોએ આક્રમક રમત દર્શાવી હતી. અમદાવાદ એવેન્જર્સ અને વડોદરા વોરિયર્સના ખેલાડીઓએ ગોલ કરવાની અનેક તકો ઊભી કરી હતી, પરંતુ બંને ટીમના ડિફેન્સ અને ગોલકીપરોના સારા પ્રદર્શનને કારણે પ્રથમ હાફમાં એક પણ ગોલ થઈ શક્યો નહોતો. પરિણામે પ્રથમ હાફનો અંત 0-0ના સ્કોર સાથે આવ્યો હતો.
52મી મિનિટે મનવિરસિંહે વડોદરાનું ખાતું ખોલ્યું
બીજા હાફની શરૂઆત બાદ મેચમાં ગતિ વધુ તેજ બની હતી. 52મી મિનિટે વડોદરા વોરિયર્સ એફ.સી.ના મનવિરસિંહે શાનદાર ગોલ કરીને પોતાની ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. ગોલ થતાં જ વડોદરાની ટીમે મેચ પર પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ અમદાવાદ એવેન્જર્સે બરાબરી કરવા માટે સતત આક્રમણ વધાર્યું હતું.
84મી મિનિટે ઓન ગોલથી અમદાવાદની વાપસી
મેચના અંતિમ તબક્કામાં અમદાવાદ એવેન્જર્સે સતત દબાણ જાળવી રાખ્યું હતું. 84મી મિનિટે વડોદરા વોરિયર્સના શાનીદના પગથી ઓન ગોલ થતાં અમદાવાદ એવેન્જર્સના ખાતામાં એક ગોલ ઉમેરાયો હતો. આ ગોલ સાથે સ્કોર 1-1 થયો હતો અને મેચ વધુ રોમાંચક બની હતી. બંને ટીમો હવે વિજય માટે અંતિમ ક્ષણોમાં સંપૂર્ણ તાકાત લગાવી રહી હતી.
90મી મિનિટે બશીદે અપાવ્યો નિર્ણાયક વિજય
મેચનો નિર્ણય અંતિમ ક્ષણોમાં આવ્યો હતો. 90મી મિનિટે અમદાવાદ એવેન્જર્સના બશીદે મહત્વપૂર્ણ ગોલ કરીને પોતાની ટીમને 2-1ની લીડ અપાવી હતી. આ ગોલ બાદ વડોદરા વોરિયર્સ પાસે વાપસી માટે બહુ ઓછો સમય બચ્યો હતો. અંતે અમદાવાદ એવેન્જર્સે 2-1થી મેચ જીતીને ગુજરાત સુપર લીગ સિઝન-3ની પોતાની પ્રથમ મેચમાં ત્રણ પોઈન્ટ મેળવ્યા હતા.
પ્રતિકને રેડ કાર્ડ, ચાર ખેલાડીઓને યલ્લો કાર્ડ
મેચ દરમિયાન બંને ટીમો વચ્ચેની સ્પર્ધાત્મક રમતને કારણે શિસ્તભંગની ઘટનાઓ પણ જોવા મળી હતી. 70મી મિનિટે વડોદરા વોરિયર્સ એફ.સી.ના પ્રતિકને રેડ કાર્ડ મળતાં ટીમને બાકીની મેચ 10 ખેલાડીઓ સાથે રમવી પડી હતી. આ ઉપરાંત અમદાવાદ એવેન્જર્સના ત્રણ ખેલાડીઓ અને વડોદરા વોરિયર્સના એક ખેલાડીને યેલ્લો કાર્ડ બતાવવામાં આવ્યું હતું.
અમદાવાદ એવેન્જર્સની સિઝનની વિજયી શરૂઆત
ડિફેન્ડિંગ ચેમ્પિયન વડોદરા વોરિયર્સ એફ.સી. સામે મળેલી આ જીત અમદાવાદ એવેન્જર્સ માટે આત્મવિશ્વાસ વધારનારી બની છે. મેચમાં એક સમયે 0-1થી પાછળ રહ્યા બાદ અમદાવાદે શાનદાર વાપસી કરી હતી અને અંતિમ મિનિટમાં બશીદના નિર્ણાયક ગોલની મદદથી 2-1થી જીત મેળવી હતી. સિઝનની શરૂઆતમાં જ મજબૂત ટીમ સામે મળેલી આ જીતથી અમદાવાદ એવેન્જર્સના ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટમાં ઉત્સાહ વધ્યો છે.
