કરાંચી
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાન ટીમનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે, જેના કારણે પાકિસ્તાની ક્રિકેટમાં ભૂકંપ આવ્યો છે. પૂર્વ સ્ટાર સ્પિનર સઈદ અજમલે પીસીબી (PCB) અને ચેરમેન મોહસિન નકવીની કામગીરી સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે.
પીસીબીએ ખેલાડીઓનું અપમાન કર્યું: સઈદ અજમલ
લૉર્ડ્સ ટેસ્ટમાં કારમી હાર બાદ પીસીબીએ મુખ્ય કોચ સરફરાજ अहमद, બોલિંગ કોચ ઉમર ગુલ સહિત ઈમામ-ઉલ-હક અને મોહમ્મદ રિઝવાન જેવા 7 દિગ્ગજ ખેલાડીઓને ઘરભેગા કરી દીધા હતા. આ નિર્ણય પર સઈદ અજમલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે કોઈ બહારની વ્યક્તિ નહીં પરંતુ ખુદ બોર્ડે ખેલાડીઓનું સરેઆમ અપમાન કર્યું છે અને તેમનું મનોબળ તોડ્યું છે. સારા પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ અચાનક ડ્રોપ કરી દેવામાં આવે છે. અજમલે દાવો કર્યો છે કે પાકિસ્તાની ક્રિકેટ આંતરિક અહંકાર અને અદૂરદર્શી આયોજનના કારણે પૂરા 10 વર્ષ પાછળ જતું રહ્યું છે.
આકિબ જાવેદ અને માઈક હેસન નિશાના પર
સઈદ અજમલે હાઈ પરફોર્મન્સ ડાયરેક્ટર અને સિલેક્ટર આકિબ જાવેદ તેમજ વ્હાઈટ-બોલ કોચ માઈક હેસન પર પણ આકરા પ્રહારો કર્યા છે. બર્મિંગહામ ટેસ્ટ માટે માઈક હેસનને વચગાળાના કોચ બનાવવાની નીતિ પર સવાલ ઉઠાવતા અજમલે કહ્યું કે આ બંને અધિકારીઓ મળીને પાકિસ્તાન ક્રિકેટને બરબાદીના આરે લઈ આવ્યા છે અને વર્તમાન કટોકટી માટે સીધા તેઓ જ જવાબદાર છે.
પીસીબી ચેરમેન મોહસિન નકવીનો બચાવ
બીજી તરફ, પીસીબી ચેરમેન મોહસિન નકવીએ પોતાના નિર્ણયોનો બચાવ કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવો એ કોઈ અંગત અદાવતનું પરિણામ નથી. ખેલાડીઓનું પ્રદર્શન ન સુધરે તો બોર્ડ પાસે નવા વિકલ્પો શોધવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. સલમાન અલી આગા જેવા ખેલાડીઓને માત્ર ખરાબ ફોર્મના કારણે બહાર કરાયા છે, તેમને કાયમ માટે પડતા મૂકવામાં આવ્યા નથી. ઈંગ્લેન્ડ સામેની શ્રેણી ગુમાવ્યા બાદ હવે પાકિસ્તાની ટીમ 0-3 થી ક્લીન સ્વીપ થવાના જોખમ પર ઊભી છે, જેનાથી મેનેજમેન્ટ પરનું દબાણ ચરમસીમાએ પહોંચી ગયું છે.
