કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણ સામે ગુજરાતમાં તંત્રની લાલ આંખ

Spread the love

રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવમાં ₹83 લાખથી વધુનો જથ્થો પ્રતિબંધિત, 7 પેઢીઓને નોટિસ; એકનો દવા વેચાણનો પરવાનો રદ

ગાંધીનગર:

કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ, અનધિકૃત સંગ્રહ અને વેચાણ સામે ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાના પગલે 1 સપ્ટેમ્બર, 2026થી શરૂ કરાયેલી આ કાર્યવાહીમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિતના વિસ્તારોમાં દવાના હોલસેલ અને રિટેલ વેપારીઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ₹83.16 લાખથી વધુનો કોડીનયુક્ત દવાનો જથ્થો પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, જ્યારે 7 પેઢીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે અને એક પેઢીનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે.

બાલાજી ફાર્મામાં ₹83 લાખનો જથ્થો મળ્યો

અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગર વિસ્તારમાં આવેલી બાલાજી ફાર્માની તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrupની કુલ 37,762 બોટલ મળી આવી હતી. પ્રતિ બોટલ MRP રૂ.220 મુજબ આ જથ્થાની કિંમત રૂ.83,07,640 થાય છે. દવાના આ જથ્થાને વધુ વેચાણ કે ઉપયોગ ન થાય તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ઉપરાંત, પૃથ્થકરણ માટે દવાનો નમૂનો પણ લેવામાં આવ્યો છે.

હેલ્થ પોઇન્ટ ફાર્માનો પરવાનો રદ

કલોલની હેલ્થ પોઇન્ટ ફાર્માની તપાસમાં સામે આવેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. પેઢીનો ખુલાસો સંતોષકારક ન જણાતા દવા વેચાણનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે.

અન્ય પેઢીઓ સામે પણ કાર્યવાહી

ચાંગોદરની ફાર્માલિન લાઇફસાયન્સિસ, સાંતેજની રેઇન રેમેડીઝ, વિસનગરની કેપિટલ ફાર્મા, અમદાવાદ-1ની HRDM ગ્લોબલ સોલ્યુશન્સ અને જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ સહિતની પેઢીઓની તપાસ કરવામાં આવી છે. આ પેઢીઓ પાસેથી ખરીદ-વેચાણના બીલો, સ્ટોક અને અન્ય સંબંધિત દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન મળેલી ક્ષતિઓ અંગે કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી પણ જથ્થો પ્રતિબંધિત

અમદાવાદ-1ની જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સમાંથી કોડીન ઘટક ધરાવતી R Tuss TD Syrupની 57 બોટલ મળી આવી હતી. પ્રતિ બોટલ રૂ.158 મુજબ તેની કિંમત રૂ.9,006 થાય છે. આ જથ્થાને પણ વધુ ઉપયોગ કે વેચાણ ન થાય તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

સરકારની ઝીરો ટોલરન્સ નીતિ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે કોડીનયુક્ત દવાઓના ગેરકાયદેસર સંગ્રહ, અનધિકૃત વેચાણ અને ગેરઉપયોગ સામે તંત્ર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. નિયમોનો ભંગ કરનાર પેઢીઓ સામે લાગુ કાયદા અને નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

જનતાના આરોગ્યના હિતમાં કોડીનયુક્ત દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસર માર્ગે થાય તે સુનિશ્ચિત કરવા તપાસ અને દેખરેખની કાર્યવાહી આગળ પણ રાજ્યભરમાં ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *