આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી

Spread the love

હોસ્પિટલની તબીબી સેવાઓ અને સુવિધાઓની સમીક્ષા કરી, પડધરી તાલુકાને ટીબી મુક્ત કરવા તથા માતા-બાળ મૃત્યુદર શૂન્ય રાખવા દિશા-નિર્દેશ આપ્યા

રાજકોટ

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટ જિલ્લાના પડધરી ખાતે હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અને તબીબી સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે દર્દીઓને મળતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા, હોસ્પિટલની વ્યવસ્થા તેમજ આરોગ્ય સ્ટાફની કામગીરી અંગે જરૂરી માહિતી મેળવી હતી.

મંત્રીએ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટર, સ્ટોર રૂમ, એક્સ-રે રૂમ, ડ્રેસિંગ રૂમ, નર્સિંગ રૂમ, જનરલ ઓપીડી, કન્સલ્ટિંગ રૂમ અને રસીકરણ રૂમની રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્ટોર રૂમ અને દવા વિભાગની મુલાકાત દરમિયાન તેમણે જરૂરિયાત મુજબના ઓન-હેન્ડ સ્ટોક, દવાઓની વિતરણ વ્યવસ્થા તથા દર્દીઓને મફત દવાઓની ઉપલબ્ધતા અંગે વિગતવાર સમીક્ષા કરી હતી.

ડાયાલિસિસ સેન્ટર ખાતે દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ, ઉપલબ્ધ સાધનો અને ઉપકરણોની સ્થિતિ અંગે પણ મંત્રીશ્રીએ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. હોસ્પિટલમાં વિવિધ સેવાઓ સુચારુ રીતે મળી રહે અને દર્દીઓને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન મંત્રીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તથા તેમના પરિવારજનો સાથે સીધો સંવાદ સાધી તેમના ખબરઅંતર પૂછ્યા હતા. દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓ અંગે પણ તેમણે જાણકારી મેળવી હતી.

પ્રસૂતિ સંબંધિત કેસોમાં સંપૂર્ણ ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કામગીરી કરવા આરોગ્યકર્મીઓને સૂચના આપતાં તેમણે માતા અને બાળ મૃત્યુદર શૂન્ય રહે તે દિશામાં સઘન પ્રયાસો કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત પડધરી તાલુકાને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવા માટે જરૂરી કામગીરીને વધુ વેગ આપવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હોસ્પિટલના નિરીક્ષણ બાદ મંત્રીએ તબીબો અને આરોગ્ય સ્ટાફ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કોઈ ચોક્કસ પ્રકારના રોગ કે બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળે તો તેને તાત્કાલિક નાથવા માટે સઘન પ્રયાસો કરવા સૂચના આપવામાં આવી હતી.

તેમણે હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે વિશેષ કામગીરી કરવા સ્ટાફને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. હોસ્પિટલમાં સ્વચ્છ અને સુઘડ વાતાવરણ જળવાઈ રહે તે માટે નિયમિત દેખરેખ રાખવા પણ સૂચવ્યું હતું.

આ ઉપરાંત, કોઈપણ પ્રકારની ઇમરજન્સી સ્થિતિ ઊભી થાય ત્યારે તેનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે હોસ્પિટલ તંત્રની સજ્જતા અંગે તબીબો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જરૂરી વ્યવસ્થાઓ અંગે મંત્રીશ્રીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર. આર. ફૂલમાળી, આરોગ્ય અધિકારી પી. કે. સિંઘ સહિતના અધિકારીઓ તેમજ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *