મૃતદેહ સોંપવાની પ્રક્રિયામાં હવે નંબર-કોડ સિસ્ટમ સાથે વૈજ્ઞાનિક SOPનો અમલ

Spread the love

રાજકોટ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા; નવી મોર્ચ્યુરી અને ફ્રીઝર પ્લાનિંગ 15થી 30 દિવસમાં કાર્યરત કરવા સૂચના

રાજકોટ

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ હોસ્પિટલની વિવિધ સેવાઓ, દર્દીઓને મળતી સુવિધાઓ અને વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ દર્દીલક્ષી સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા તબીબો અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મૃતદેહ સોંપવાની પ્રક્રિયામાં વૈજ્ઞાનિક SOP

મુલાકાત દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાંથી સ્વજનોને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ચોકસાઈભરી અને પારદર્શક બને તે માટે નંબર, કોડ સિસ્ટમ તથા સ્ક્રીનિંગ આધારિત વૈજ્ઞાનિક SOP તૈયાર કરવામાં આવી છે. આ SOPનો આવતીકાલથી જ કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

મૃતદેહોને યોગ્ય રીતે સાચવવાની વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે માટે રૂ. 3.5 કરોડના ખર્ચે નવી મોર્ચ્યુરી અને ફ્રીઝર પ્લાનિંગ આગામી 15થી 30 દિવસમાં કાર્યરત કરવા પણ મંત્રીશ્રીએ સૂચના આપી હતી.

હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા કડક સૂચના

મંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ હોસ્પિટલમાંથી સંપૂર્ણ સાજા થઈને અને સંતોષ સાથે ઘરે પરત ફરે તે સરકારની પ્રાથમિકતા છે. હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ તેમણે કડક સૂચનાઓ આપી હતી.

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાન-માવા ખાઈને પિચકારી મારનાર અથવા ગંદકી કરનાર કોઈપણ વ્યક્તિ કે કર્મચારી સામે સિક્યોરિટી દ્વારા સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી.

વિવિધ વિભાગોની મુલાકાત અને સુવિધાઓનું નિરીક્ષણ

મંત્રીએ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ, ટ્રોમા કેર સેન્ટર, ઓર્થોપેડિક, મેડિસિન, જનરલ સર્જરી તેમજ ટીબી અને છાતીના રોગોના વિભાગોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અદ્યતન એમઆરઆઈ સેન્ટર અને ડાયાલિસિસ યુનિટની મુલાકાત લઈ દર્દીઓને ઉપલબ્ધ ડાયગ્નોસ્ટિક અને ક્રિટીકલ કેર સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

આ દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. કમલસિંહ ડોડીયાએ હોસ્પિટલની વિવિધ સેવાઓ અને કામગીરી અંગે મંત્રીશ્રીને વિગતવાર માહિતી આપી હતી.

ઇમરજન્સી સેવાઓ સહિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા

મુલાકાત બાદ મંત્રીએ સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં ઇમરજન્સી સેવાઓ, સ્ટ્રેચરની ઉપલબ્ધતા, એમઆરઆઈ સુવિધા, ટીબીના દર્દીઓને આપવામાં આવતી સારવાર, માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા માટેની કામગીરી તેમજ સિવિલ હોસ્પિટલની સિક્યોરિટી સહિતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

મંત્રીએ સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટર દ્વારા દર્દીઓને આપવામાં આવતી ઉત્કૃષ્ટ સેવાઓની વિશેષ સરાહના કરી હતી અને સમગ્ર ટીમને અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર. આર. ફૂલમાળી, આરોગ્ય અધિકારી પી. કે. સિંઘ, આરએમઓ ડૉ. હર્ષદ દૂસરા સહિત સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *