હરમનજોત સિંહ અને લિલી દાસ ભારતીય એલીટ ફીલ્ડનું નેતૃત્વ કરશે; 42 દોડવીરો વિશ્વ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રેસમાં ભાગ લેશે
નવી દિલ્હી
પ્રોકેમ ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત વેદાંતા દિલ્હી હાફ મેરેથોનની 21મી આવૃત્તિ માટે ભારતીય એલીટ દોડવીરોની યાદી જાહેર કરવામાં આવી છે. વિશ્વ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રોડ રેસ તરીકે યોજાનારી આ પ્રતિષ્ઠિત સ્પર્ધા નવી દિલ્હીમાં 18 ઓક્ટોબર, 2026ના રોજ રવિવારે યોજાશે. આ વર્ષે ભારતીય એલીટ કેટેગરીમાં કુલ 42 દોડવીરો, જેમાં 22 પુરુષ અને 20 મહિલા દોડવીરોનો સમાવેશ થાય છે, ભાગ લેશે.
પુરુષોની કેટેગરીમાં હરમનજોત સિંહ અને કિરણ માતરે મુખ્ય દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે. હરમનજોત સિંહે 2026માં TCS વર્લ્ડ 10K બેંગલુરુની ભારતીય એલીટ કેટેગરીમાં વિજય મેળવ્યો હતો અને 2026 એશિયન ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો હતો. દિલ્હી હાફ મેરેથોનમાં તેઓ પ્રથમ વખત ભાગ લેશે.
હરમનજોતનો હાફ મેરેથોનમાં 1 કલાક 1 મિનિટ 46 સેકન્ડનો વ્યક્તિગત શ્રેષ્ઠ સમય છે, જે આ વખતની ભારતીય એલીટ ફીલ્ડમાં સૌથી ઝડપી છે. તેમણે જણાવ્યું હતું કે બેંગલુરુમાં જીત અને એશિયન ક્રોસ કન્ટ્રીમાં રજત ચંદ્રકથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. દિલ્હી હાફ મેરેથોન દેશની સૌથી મુશ્કેલ રેસમાંની એક છે અને શ્રેષ્ઠ દોડવીરો સામે પોતાની ક્ષમતા ચકાસવા તેઓ ઉત્સુક છે.
ગત વર્ષની દિલ્હી હાફ મેરેથોનમાં ભારતીય એલીટ પુરુષોમાં બીજા ક્રમે રહેલા કિરણ માતરે પણ મજબૂત દાવેદાર છે. તેમણે ગયા વર્ષે આ જ રેસમાં 1:04:57નો પોતાનો હાફ મેરેથોન પર્સનલ બેસ્ટ નોંધાવ્યો હતો. 2024માં તેઓ TCS વર્લ્ડ 10K બેંગલુરુની ભારતીય એલીટ રેસના વિજેતા પણ રહી ચૂક્યા છે.
આ બંનેને ડૉ. કાર્તિક કરકેરા તરફથી પણ મજબૂત પડકાર મળશે. કાર્તિકે 2026ની ટાટા મુંબઈ મેરેથોનમાં ભારતીય એલીટ પુરુષોની રેસ જીતી હતી અને ગયા વર્ષની દિલ્હી હાફ મેરેથોનમાં ત્રીજા સ્થાને રહ્યા હતા. ઉત્તર પ્રદેશના ટ્રેક સ્ટાર પ્રિન્સ કુમાર પણ લાંબા વિરામ બાદ હાફ મેરેથોનમાં વાપસી કરશે. તેમણે 2025 ઓપન નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 5,000 અને 10,000 મીટર તથા 2025 સાઉથ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 5,000 મીટરમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
મહિલા કેટેગરીમાં પણ રોમાંચક મુકાબલો
મહિલા એલીટ કેટેગરીમાં પૂર્વ ભારતીય એલીટ ચેમ્પિયન લિલી દાસ અને કવિતા યાદવ ભારતીય પડકારનું નેતૃત્વ કરશે. લિલી દાસે 2024માં જ્યારે કવિતા યાદવે 2023માં દિલ્હી હાફ મેરેથોનની ભારતીય એલીટ કેટેગરીમાં વિજય મેળવ્યો હતો.
તેમને ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્ટીપલચેઝ દોડવીર અંકિતા ધ્યાની તરફથી પડકાર મળશે. અંકિતાએ 2025માં પ્રથમ હાફ મેરેથોનમાં ભાગ લઈને ભારતીય એલીટ મહિલાઓમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. એશિયન ગેમ્સ 2023ની સ્ટીપલચેઝ બ્રોન્ઝ મેડલિસ્ટ પ્રીતિ લાંબા પણ ભારતીય ફીલ્ડને વધુ મજબૂત બનાવશે.
ભારતીય દોડવીરો માટે ‘PRIDE’ રિવોર્ડ ફ્રેમવર્ક
આ વર્ષની 21મી આવૃત્તિમાં PRIDE (Procam Rewards for Indian Distance Elites) નામનું નવું મેરિટ આધારિત રિવોર્ડ ફ્રેમવર્ક પણ રજૂ કરવામાં આવ્યું છે. તેનો હેતુ ભારતીય એલીટ ડિસ્ટન્સ દોડવીરોને તેમની કામગીરીના આધારે પ્રોત્સાહિત કરવા, સન્માન આપવા અને તેમની કારકિર્દીને વધુ મજબૂત બનાવવાનો છે. આ ફ્રેમવર્ક પ્રોકેમ ઇન્ટરનેશનલની તમામ ઇવેન્ટમાં નોંધણી કરાવતા પ્રમાણિત ભારતીય એલીટ ડિસ્ટન્સ દોડવીરો માટે લાગુ પડશે.
ભારતીય એલીટ પુરુષ અને મહિલા કેટેગરીમાં પ્રથમ ત્રણ સ્થાન મેળવનારને અનુક્રમે રૂ. 3.50 લાખ, રૂ. 2.50 લાખ અને રૂ. 1.50 લાખનું ઇનામ મળશે. ઉપરાંત દિલ્હી હાફ મેરેથોનમાં નવો ભારતીય એલીટ રેકોર્ડ બનાવનારને રૂ. 1 લાખનું વધારાનું ઇન્સેન્ટિવ મળશે.
