8મી સિઝન માટે આઠ ફ્રેન્ચાઇઝીની ટીમો તૈયાર; 8થી 13 ડિસેમ્બર દરમિયાન હૈદરાબાદમાં ટૂર્નામેન્ટ રમાશે , જિયો હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ થશે
મુંબઈ
કિયા ટેનિસ પ્રીમિયર લીગ (TPL)ની 8મી સિઝન માટે ખેલાડીઓની હરાજી મુંબઈની ફોર સીઝન્સ હોટેલ ખાતે યોજાઈ હતી. આ હરાજીમાં બેલ્જિયમની સોફિયા કોસ્ટુલાસ, રશિયાની સોફ્યા લેન્સેરે, ઇરિના શિમાનોવિચ અને ભારતના ધક્ષિણેશ્વર સુરેશે ₹13 લાખની ટોચની બોલી મેળવી હતી. આ ચારેય ખેલાડીઓ હરાજીમાં સંયુક્ત રીતે સૌથી મોંઘા ખેલાડી બન્યા હતા. હવે આઠેય ફ્રેન્ચાઇઝીની ટીમો તૈયાર થઈ ગઈ છે અને આગામી 8થી 13 ડિસેમ્બર, 2026 દરમિયાન હૈદરાબાદના એલબી ટેનિસ સ્ટેડિયમ ખાતે ટૂર્નામેન્ટ રમાશે. મેચોનું સાંજે 4:30 વાગ્યાથી જિયો હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.
હરાજી દરમિયાન ભારતીય ટેનિસના દિગ્ગજ ખેલાડીઓ લિએન્ડર પેસ, સાનિયા મિર્ઝા અને રોહન બોપન્ના ઉપરાંત અભિનેત્રી રકુલ પ્રીત સિંહ તથા સોનાલી બેન્દ્રે ઉપસ્થિત રહ્યાં હતાં. અમૃતા ફડણવીસે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આઠેય ફ્રેન્ચાઇઝીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરના અનુભવી ખેલાડીઓ અને ઊભરતી ભારતીય પ્રતિભાઓને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ઉત્સાહપૂર્વક બોલી લગાવી હતી.
ભારતીય ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીઓનો વિશ્વાસ
રોહન બોપન્નાના નેતૃત્વ હેઠળની ગુરુગ્રામ ગ્રાન્ડ સ્લેમર્સે ભારતની શ્રિવલ્લી ભામિદિપાટીને ₹7 લાખમાં અને જર્મનીના ડેનિયલ માસુરને ₹7.10 લાખમાં ટીમમાં સામેલ કર્યા છે. રાજસ્થાન રેન્જર્સે ભારતીય ડબલ્સ ખેલાડી શ્રીરામ બાલાજીને ₹8 લાખમાં ખરીદ્યા છે. તેમની સાથે રશિયાની અનાસ્તાસિયા ઝોલોતારેવા પણ ટીમમાં જોડાશે.
કોલકાતા થન્ડર બ્લેડ્સે ચીનની ફાંગરાન તિયાનને ₹9.20 લાખમાં અને ભારતના અનિરુદ્ધ ચંદ્રશેખરને ₹7.20 લાખમાં ખરીદ્યા છે. આર્જેન્ટિનાના રોમન બુરુચાગા ટીમના મુખ્ય ખેલાડી રહેશે. બીજી તરફ, મુંબઈ રોયલ્સે ભારતના નિકી પૂનાચાને ₹7.20 લાખમાં અને ક્રોએશિયાની તારા વર્થને ₹7 લાખમાં ટીમમાં સ્થાન આપ્યું છે. ફ્રાન્સના ટેરેન્સ એટમેન ટીમનું નેતૃત્વ કરશે.
ગત સિઝનના ચેમ્પિયન દિલ્હીનો મજબૂત દાવ
ગત સિઝનના ચેમ્પિયન જીએસ દિલ્હી એસિસે બેલ્જિયમની સોફિયા કોસ્ટુલાસને ₹13 લાખમાં ખરીદી છે. કોસ્ટુલાસે ટૂર્નામેન્ટની સાતમી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમમાં ભારતના રિત્વિક ચૌધરી બોલિપલ્લીનો પણ ₹7 લાખમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયાના એડમ વોલ્ટન ટીમના મુખ્ય ખેલાડી રહેશે.
ગુજરાત પેન્થર્સે રશિયાની ઇરિના શિમાનોવિચને ₹13 લાખમાં ખરીદી છે. ફ્રાન્સના એલેક્ઝાન્ડ્રે મુલર ટીમના મુખ્ય ખેલાડી તરીકે પરત ફરશે. ભારતના રામકુમાર રામનાથનને પણ ₹7 લાખમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
હૈદરાબાદ સ્ટ્રાઇકર્સે રશિયાની સોફ્યા લેન્સેરેને ₹13 લાખમાં અને ભારતના સિદ્ધાંત બંથિયાને ₹7 લાખમાં ખરીદ્યા છે. ક્રોએશિયાના ડિનો પ્રિઝમિક ટીમના મુખ્ય ખેલાડી રહેશે. લખનઉ બ્લેઝર્સે ભારતના ધક્ષિણેશ્વર સુરેશને ₹13 લાખમાં ખરીદીને મોટી સફળતા મેળવી છે. ચેકિયાની જુલી સ્ટુપ્લોવાને ₹7 લાખમાં ટીમમાં સ્થાન મળ્યું છે. દાલિબોર સ્વ્ર્ચિના ટીમના મુખ્ય ખેલાડી રહેશે.
ભારતીય ટેનિસને મળશે વધુ મોટું મંચ
કિયા ઇન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (માર્કેટિંગ અને સેલ્સ) અતુલ સૂદે જણાવ્યું હતું કે, આઠમી સિઝનની હરાજી ટેનિસ માટે ઉત્સાહજનક તબક્કો છે. ટુર્નામેન્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે ભારતીય પ્રતિભાઓને પણ પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળશે.
ટેનિસ પ્રીમિયર લીગના સહ-સ્થાપક કુણાલ ઠક્કરે જણાવ્યું હતું કે, ચાર ખેલાડીઓએ ₹13 લાખની ટોચની બોલી મેળવવી એ લીગની વધતી સ્પર્ધાત્મકતા દર્શાવે છે. જ્યારે સહ-સ્થાપક મૃણાલ જૈને આશા વ્યક્ત કરી હતી કે આઠેય ટીમોમાં અનુભવી ખેલાડીઓ અને નવી પ્રતિભાઓના સંતુલનને કારણે આ સિઝન વધુ રોમાંચક બનશે.
ટૂર્નામેન્ટની વિશેષતા તેનો 25 પોઇન્ટનો ફોર્મેટ છે, જેમાં દરેક પોઇન્ટ નિર્ણાયક બની શકે છે. હૈદરાબાદમાં યોજાનારી આ સિઝનમાં આઠેય ટીમો ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે. લીગના સંપૂર્ણ કાર્યક્રમની વિગતો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
