નવા નરોડાના સર્જન સ્કાય ફ્લેટમાં નવરાત્રિ દરમિયાન મારામારીની ઘટના • ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અને સોસાયટીના ચેરમેન અનિલ નાયકને ગંભીર ઈજા • CCTV ફૂટેજના આધારે બે આરોપીઓની અટકાયત
અમદાવાદ
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખુરશીમાં બેસવા બાબતે મહિલાઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સર્જન સ્કાય ફ્લેટમાં બનેલી આ ઘટનામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા સોસાયટીના ચેરમેન અને શહેર ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અનિલ નાયક પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે નરોડા પોલીસે CCTV ફૂટેજના આધારે બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગરબામાં ખુરશી બાબતે મહિલાઓ વચ્ચે બોલાચાલી
મળતી માહિતી મુજબ, 15 ઑક્ટોબરની રાત્રે નવા નરોડા સ્થિત સર્જન સ્કાય ફ્લેટમાં નવરાત્રિ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સોસાયટીમાં રહેતી નિધિ લાડવા અને હીનાબહેન પંચાલ વચ્ચે ખુરશીમાં બેસવા અથવા ખુરશી લેવા બાબતે બોલાચાલી થઈ હતી. વિવાદ વધતાં નિધિ લાડવાના પિતા છગનભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.
જોકે, સોસાયટીના અન્ય સભ્યોએ વચ્ચે પડીને બંને પક્ષોને સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. પ્રાથમિક રીતે સમાધાન થઈ ગયું હોવાનું જણાતું હતું, પરંતુ થોડા જ સમયમાં વિવાદે ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
સમાધાન બાદ બહારથી આવેલા શખસોએ કર્યો હુમલો
બોલાચાલી બાદ હિતેન્દ્ર લાડવા સહિત બે શખસો બાઇક પર સોસાયટીમાં આવ્યા હતા. તેઓ નિધિ લાડવાના પક્ષે બોલીને ગાળાગાળી કરવા લાગ્યા હતા. આથી સોસાયટીના ચેરમેન અનિલ નાયક અને અન્ય સભ્યોએ તેમને સમજાવીને ત્યાંથી બહાર મોકલી દીધા હતા.
જોકે, ગણતરીની મિનિટોમાં જ બે એક્ટિવા પર ચાર શખસો લાકડાના દંડા લઈને સોસાયટીના ગેટ પાસે આવી પહોંચ્યા હતા. આ શખસોએ ફરીથી હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન એક શખસે જાહેરમાં ટી-શર્ટ ઉતારીને ગાળાગાળી કરી હતી અને દંડા વડે અનિલ નાયક પર હુમલો કર્યો હતો. તેમને દંડાના બે ફટકા મારવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.
માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા
આરોપીઓ સોસાયટીના પરિસરમાં ઘૂસી મારામારી કરવા લાગ્યા હતા. હુમલામાં અંશ લાડવા, મહાવીરસિંહ રાણા, કૃતાર્થસિંહ રાઓલ સહિતના શખસોનાં નામ સામે આવ્યાં છે. અનિલ નાયક વચ્ચે પડીને મામલો શાંત કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અંશ લાડવાએ તેમના માથાના ભાગે પંચ જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.
હુમલાને પગલે અનિલ નાયક ગંભીર રીતે ઘાયલ થયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સોસાયટીના અન્ય રહીશો દોડી આવતાં હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
CCTV ફૂટેજના આધારે પોલીસની કાર્યવાહી
સમગ્ર મારામારીની ઘટના સોસાયટીમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા CCTV ફૂટેજની તપાસ કરીને બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અન્ય સંડોવાયેલા શખસોની ભૂમિકા સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નવરાત્રિ જેવા ઉત્સવ દરમિયાન ખુરશી બાબતે શરૂ થયેલો વિવાદ મારામારી અને ગંભીર હુમલા સુધી પહોંચતાં સોસાયટીના રહીશોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
