કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો આજથી પ્રારંભ: ભારતની મહિલા અને પુરુષ ટીમ પ્રથમ ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે

Spread the love

અમદાવાદમાં ૨૩થી ૩૧ ઑક્ટોબર સુધી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ૧૩ દેશોની ૨૩ ટીમો વચ્ચે ૬૨ મુકાબલા રમાશે

અમદાવાદ

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવતીકાલે, શુક્રવારથી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો ભવ્ય પ્રારંભ થશે. આ ઐતિહાસિક સ્પર્ધામાં ભારતની મહિલા અને પુરુષ ટીમો પ્રથમ કોમનવેલ્થ ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ૨૩થી ૩૧ ઑક્ટોબર દરમિયાન યોજાનારી આ ચેમ્પિયનશિપમાં ૧૩ દેશોની કુલ ૨૩ ટીમો ભાગ લેશે અને નવ દિવસમાં ૬૨ મુકાબલા રમાશે. તેમાં પુરુષોની ૩૯ અને મહિલાઓની ૨૩ મેચનો સમાવેશ થાય છે.

ભારતીય ટીમો પોતાના અભિયાનની શરૂઆત શુક્રવારે કરશે. ભારતની મહિલા ટીમ સાંજે ૬:૪૫ વાગ્યે મલેશિયા સામે ટકરાશે, જ્યારે પુરુષોની ટીમ રાત્રે ૮:૩૦ વાગ્યે ઇંગ્લેન્ડ સામે પ્રથમ મુકાબલો રમશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ સવારે ૧૧ વાગ્યે પુરુષોના ગ્રૂપ બીમાં કેન્યા અને સિંગાપોર વચ્ચે રમાશે.

બે ગ્રૂપમાં ટીમોનું વિભાજન, સેમિફાઇનલમાં સ્થાન મેળવવા રસાકસી

પુરુષોની ૧૩ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ એમાં ભારત, નાઇજીરિયા, મલેશિયા, યુગાન્ડા, ઇંગ્લેન્ડ, તાન્ઝાનિયા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રૂપ બીમાં બાંગ્લાદેશ, કેન્યા, કેનેડા, ઑસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ અને સિંગાપોરની ટીમો રમશે.

મહિલાઓની ૧૦ ટીમોને પણ બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ એમાં ભારત, સિંગાપોર, નાઇજીરિયા, યુગાન્ડા અને મલેશિયા છે, જ્યારે ગ્રૂપ બીમાં બાંગ્લાદેશ, કેન્યા, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને શ્રીલંકાની ટીમો સામેલ છે.

દરેક ટીમ પોતાના ગ્રૂપની અન્ય ટીમો સામે એક-એક મેચ રમશે. ગ્રૂપની ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે. ત્યારબાદ ગ્રૂપ એની પ્રથમ ક્રમાંકિત ટીમનો મુકાબલો ગ્રૂપ બીની બીજા ક્રમાંકની ટીમ સામે અને ગ્રૂપ બીની પ્રથમ ક્રમાંકિત ટીમનો મુકાબલો ગ્રૂપ એના બીજા ક્રમાંકની ટીમ સામે થશે.

પુરુષોની ટીમનું સુકાન સુરજીત સિંહના હાથમાં

ભારતીય પુરુષ ટીમની જવાબદારી કેપ્ટન સુરજીત સિંહ અને વાઇસ કેપ્ટન નવીન કુમાર સંભાળશે. ૧૪ ખેલાડીઓની ટીમમાં યોગેશ દહિયા, શુભમ શિંદે, દીપક સંકર, નિતેશ કુમાર, પરવેશ ભૈંસવાલ, અજિત પવાર, સચિન તંવર, પંકજ મોહિતે, ભરત હૂડા, શિવમ પટારે, નીરજ નરવાલ અને આદિત્ય શિંદેનો સમાવેશ થાય છે.

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચ બાદ ભારત ૨૪ ઑક્ટોબરે યુગાન્ડા, ૨૫ ઑક્ટોબરે મલેશિયા, ૨૬ ઑક્ટોબરે નાઇજીરિયા, ૨૭ ઑક્ટોબરે તાન્ઝાનિયા અને ૨૯ ઑક્ટોબરે શ્રીલંકા સામે રમશે. આ તમામ મુકાબલા રાત્રે ૮:૩૦ વાગ્યે શરૂ થશે.

નિધિ શર્માની આગેવાનીમાં ભારતીય મહિલા ટીમ

ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ નિધિ શર્મા કરશે, જ્યારે રીતુ ઉપકેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. ૧૪ સભ્યોની ટીમમાં મુસ્કાન શર્મા, સભાઈ ગઢવી, પ્રિયા, ચંપા ઠાકુર, રિયા કુમારી, સુમન સાહુ, જ્યોતિ, રીતુ મિથરવાલ, રેણુકા ચૌધરી, સિમરન કંબોજ, અનુ સેન, સાક્ષી અને કાર્તિકા રમેશનો સમાવેશ થાય છે.

ભારતીય મહિલા ટીમ ૨૩ ઑક્ટોબરે મલેશિયા સામે રમ્યા બાદ ૨૪ ઑક્ટોબરે સિંગાપોર, ૨૫ ઑક્ટોબરે યુગાન્ડા અને ૨૬ ઑક્ટોબરે નાઇજીરિયા સામે ટકરાશે. આ તમામ મેચ સાંજે ૬:૪૫ વાગ્યે શરૂ થશે. મહિલાઓના ગ્રૂપ તબક્કાની મેચો ૨૮ ઑક્ટોબરે પૂર્ણ થશે.

૩૦ અને ૩૧ ઑક્ટોબરે સેમિફાઇનલ તથા ફાઇનલ

ચેમ્પિયનશિપની સેમિફાઇનલ મેચો ૩૦ ઑક્ટોબરે રમાશે. મહિલાઓની સેમિફાઇનલ સાંજે ૬ અને ૬:૪૫ વાગ્યે, જ્યારે પુરુષોની સેમિફાઇનલ રાત્રે ૮:૩૦ અને ૯:૩૦ વાગ્યે યોજાશે. ૩૧ ઑક્ટોબરે મહિલાઓની ફાઇનલ સાંજે ૭:૩૦ વાગ્યે અને પુરુષોની ફાઇનલ રાત્રે ૯ વાગ્યે રમાશે.

તમામ મેચોનું જીવંત પ્રસારણ JioHotstar પર થશે. પસંદગીની સાંજની મેચો, જેમાં સેમિફાઇનલ અને ફાઇનલનો પણ સમાવેશ થાય છે, તેનું પ્રસારણ Star Sports પર પણ કરવામાં આવશે. સ્ટેડિયમમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે, પરંતુ તેના માટે Thumpn પ્લેટફોર્મ મારફતે અગાઉથી ઑનલાઇન નોંધણી કરાવવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *