ઉપપ્રમુખની આગેવાનીમાં ચીફ ઓફિસરને પત્ર પાઠવાયો; બહુમતી સભ્યોની મંજૂરી વિના વિકાસનાં બિલો પાસ કરવા અને નવી ભરતી કરવા સામે રજૂઆત
છોટા ઉદેપુર:
છોટા ઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખની વરણી બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના શાસન હેઠળની નગરપાલિકામાં પ્રમુખની પસંદગીના ગણતરીના કલાકોમાં જ આંતરિક જૂથવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે. ઉપપ્રમુખ સહિત કુલ 17 સભ્યોએ એકજૂથ થઈને ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવતાં સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી છે. આ સભ્યોએ બહુમતીની સંમતિ વિના વિકાસનાં કામોનાં બિલો પાસ ન કરવા તેમજ નવા કર્મચારીઓની ભરતી ન કરવા રજૂઆત કરી છે. નવા પ્રમુખની વરણી બાદ સર્જાયેલા આ ઘટનાક્રમથી નગરપાલિકાના રાજકીય સમીકરણોમાં નવી ખેંચતાણ ઊભી થઈ છે.
રજનીબહેન રાઠવાની વરણી સામે અસંતોષની ચર્ચા
મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખપદે વોર્ડ નંબર-4નાં ભાજપનાં વિજેતા ઉમેદવાર રજનીબહેન રાઠવાની વરણી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ સંગઠન તેમને પ્રમુખપદની જવાબદારી સોંપવા ઇચ્છતું હતું, પરંતુ પક્ષની અંદર જ અન્ય વ્યક્તિને પ્રમુખ બનાવવાની તરફેણ કરતું એક જૂથ સક્રિય હોવાની ચર્ચા હતી.
પ્રમુખપદની પસંદગીને લઈને પક્ષના કેટલાક સભ્યોમાં નારાજગી પ્રવર્તતી હોવાની વાત સામે આવી છે. ચૂંટણી દરમિયાન પણ પક્ષના આંતરિક મતભેદોની ચર્ચાઓ થઈ હતી. અત્યાર સુધી ઇન્ચાર્જ ઉપપ્રમુખ મારફતે નગરપાલિકાનો વહીવટ ચાલી રહ્યો હતો. જોકે, 20 ઑક્ટોબરના રોજ નવા પ્રમુખની સત્તાવાર વરણી થયા બાદ માત્ર ત્રણ કલાકમાં જ 17 સભ્યોના જૂથે પોતાની અસંમતિ વ્યક્ત કરતાં રાજકીય ઘટનાક્રમ નવો વળાંક લઈ ગયો છે.
ભાજપ સહિત વિવિધ પક્ષોના 17 સભ્યો એક મંચ પર
આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે વિરોધ કરનારા 17 સભ્યો એક જ રાજકીય પક્ષના નથી. મળતી માહિતી મુજબ, આ જૂથમાં સમાજવાદી પાર્ટીના 6 સભ્યો, ભાજપના 6 સભ્યો, કોંગ્રેસના 1 સભ્ય અને અગાઉ ભાજપમાં જોડાયેલા 3 અપક્ષ સભ્યોનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યોએ સાથે મળીને ચીફ ઓફિસરને પત્ર પાઠવ્યો છે.
ભાજપના જ છ સભ્યો નવા પ્રમુખની વરણી બાદ વિરોધી જૂથ સાથે ઊભા રહેતાં પક્ષના આંતરિક મતભેદો વધુ સ્પષ્ટ થયા છે. ઉપપ્રમુખની આગેવાનીમાં રચાયેલા આ જૂથના વલણથી નગરપાલિકાના વહીવટી નિર્ણયો અને વિકાસનાં કામો પર કેવી અસર પડશે તે અંગે સવાલો ઊભા થયા છે.
વિકાસનાં રૂ. 8 કરોડનાં કામો વચ્ચે વહીવટી પડકાર
ચીફ ઓફિસરને પાઠવાયેલા પત્રમાં સભ્યોએ સ્પષ્ટ કર્યું છે કે નગરપાલિકામાં ચાલી રહેલાં વિકાસનાં કામોનાં નાણાકીય બિલો બહુમતી સભ્યોની સંમતિ વિના પાસ કરવામાં ન આવે. આ ઉપરાંત, કોઈપણ નવા કર્મચારીની ભરતી કરતાં પહેલાં પણ સભ્યોની મંજૂરી લેવાની માગ કરવામાં આવી છે.
છોટા ઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિકકુમાર બરજોડે જણાવ્યું હતું કે નગરપાલિકામાં હાલમાં અંદાજે રૂ. 8 કરોડનાં વિકાસનાં કામો ચાલી રહ્યાં છે. 17 સભ્યોની સહીઓ સાથેનો પત્ર મળ્યો છે. તેમણે બહુમતીના આંકડાને ધ્યાનમાં રાખીને વહીવટી નિયમો મુજબ સભ્યોની સંમતિ વિના ચુકવણી થઈ શકે નહીં તેવી વાત જણાવી હતી. પ્રમુખે પોતાની સત્તાનો અમલ કરવો હોય તો 17 સભ્યોની સહીઓ સાથે પત્ર રજૂ કરવો પડશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
હવે ભાજપ સંગઠન સામે મોટો પડકાર
નવા પ્રમુખની વરણી બાદ તરત જ સામે આવેલા આ વિરોધથી છોટા ઉદેપુર ભાજપ સંગઠન સામે આંતરિક મતભેદો ઉકેલવાનો પડકાર ઊભો થયો છે. બીજી તરફ, વિકાસનાં કામોની ચુકવણી અને નવી ભરતી અંગે 17 સભ્યોના જૂથની રજૂઆતને પગલે નગરપાલિકાના વહીવટ પર પણ તેની અસર પડી શકે છે. આગામી દિવસોમાં આ રાજકીય ખેંચતાણ કઈ દિશામાં આગળ વધે છે અને પ્રમુખ તથા વિરોધી જૂથ વચ્ચે સમાધાન થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
