શિક્ષક અભિરૂચિ કસોટી-2026ની મુખ્ય પરીક્ષામાં પારદર્શકતા અને ગુણવત્તા જાળવવા રાજ્ય પરીક્ષા બોર્ડની વિશેષ વ્યવસ્થા

Spread the love

CCTV મોનિટરિંગ, ફ્લાઈંગ સ્ક્વોડ અને તજજ્ઞ પરીક્ષકોની નિમણૂક સાથે પરીક્ષા પ્રક્રિયા હાથ ધરાઈ; TAT-HSના પરિણામ અંગે ફેલાયેલી ગેરસમજ દૂર કરવા બોર્ડે રજૂ કરી સ્પષ્ટતા

ગાંધીનગર :

શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2026 (TAT-HS)ની ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાની પ્રક્રિયામાં પારદર્શકતા, સુદૃઢ વ્યવસ્થા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ સ્તરે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા CCTV કેમેરા, ફ્લાઈંગ સ્ક્વોડ, ઉમેદવારોની ઓળખની ચકાસણી અને પરીક્ષા કેન્દ્રોનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે અનુભવી સરકારી શિક્ષકો અને તજજ્ઞોની નિમણૂક કરીને ગુણવત્તાયુક્ત મૂલ્યાંકન વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાની કામગીરી અંગે રજૂ કરવામાં આવેલી વિગતોમાં પરીક્ષા વ્યવસ્થાપનથી લઈને ઉત્તરવહીઓના મૂલ્યાંકન સુધીની પ્રક્રિયાની સ્પષ્ટતા કરવામાં આવી છે. સાથે જ TAT-HSની મુખ્ય પરીક્ષાના પરિણામ અંગે કેટલીક ખોટી ધારણાઓ અને આંકડાકીય ગેરસમજણો હોવાનું જણાવી બોર્ડે હકીકતો રજૂ કરી છે.

પરીક્ષાની ગોપનીયતા અને પારદર્શકતા માટે કડક મોનિટરિંગ

પરીક્ષાની ગોપનીયતા જળવાય અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર ઓબ્ઝર્વર, સરકારી પ્રતિનિધિ અને CCTV દ્વારા સઘન મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. PATA એપ્લિકેશન મારફતે પરીક્ષા સાહિત્યની સલામત પરિવહન પ્રક્રિયાનું પણ સતત મોનિટરિંગ કરાયું હતું.

ઉત્તરવહી પરના બારકોડની પસંદગી અને ઉમેદવારોની ઓળખ છતી કરતા નંબરોને ખાસ ખાનગી રેકોર્ડ દ્વારા સંકલિત કરવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાના સ્ટ્રોંગરૂમમાં તમામ ઉત્તરવહીઓનું વિષયવાર CCTV સર્વેલન્સ હેઠળ ભયમુક્ત અને પારદર્શક પદ્ધતિથી પેકિંગ કરવામાં આવ્યું હતું.

25 વિષયોના નિષ્ણાતો દ્વારા આદર્શ નમૂનાની આન્સર-કી તૈયાર

ઉત્તરવહીઓનું મૂલ્યાંકન એકસમાન અને ગુણવત્તાયુક્ત રહે તે માટે રાજ્ય પરીક્ષા બોર્ડે 25 વિષયોના નિષ્ણાતોને સાથે રાખીને આદર્શ નમૂનાની આન્સર-કી તૈયાર કરાવી હતી.

આ આન્સર-કીમાં સંબંધિત વિષયવસ્તુની ચોકસાઈ, ગુણવત્તા, પ્રમાણભૂતતા અને પ્રસ્તુતતાના માપદંડોને ધ્યાનમાં રાખીને ગુણાંકન પદ્ધતિ નક્કી કરવામાં આવી હતી, જેથી તમામ ઉમેદવારોની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન એકસરખા માપદંડોના આધારે થઈ શકે.

અનુભવી સરકારી શિક્ષકો અને તજજ્ઞો દ્વારા મૂલ્યાંકન

મૂલ્યાંકનની ગુણવત્તા જળવાઈ રહે તે માટે માત્ર સરકારી શાળાઓના રેગ્યુલર શિક્ષકોની પરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પરીક્ષાની કામગીરીનું યોગ્ય મોનિટરિંગ અને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના જિલ્લા શિક્ષણ અધિકારીઓ તેમજ અનુભવી સરકારી શિક્ષકોને મોડરેટર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.

આ વ્યવસ્થાનો હેતુ મૂલ્યાંકનની પ્રક્રિયામાં નિષ્પક્ષતા, ચોકસાઈ અને એકરૂપતા જાળવવાનો હતો.

પરીક્ષા માટે ત્રણ સ્તરીય ટીમ વ્યવસ્થા

પરીક્ષાની કામગીરી સુચારુ રીતે પાર પડે તે માટે ત્રણ સ્તરીય ટીમ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં દરેક ટીમમાં એક પરીક્ષક, ટીમ દીઠ એક વિષયવાર નિષ્ણાત અને ટીમ દીઠ એક મોડરેટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પરીક્ષાના દિવસે ટીમોની રચના રેન્ડમાઇઝેશન પદ્ધતિથી કરવામાં આવી હતી. પ્રથમ દિવસે પ્રથમ સેશનમાં મૂલ્યાંકનની SOP (માર્ગદર્શિકા) અને આદર્શ નમૂનાની આન્સર-કી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુણપદ્ધતિ અને માર્કિંગ અંગેની સમજણ આપવામાં આવી હતી. ત્યારબાદ ગુણપત્રકના માપદંડોનું વિશ્લેષણ કરીને જરૂરી સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા.

પ્રથમ દિવસે 50 અને ત્યારબાદ 80થી 100 ઉત્તરવહીઓની ચકાસણી

મૂલ્યાંકનની ગુણવત્તા ચકાસવા માટે પ્રથમ દિવસે દરેક ટીમને 50 ઉત્તરવહીઓનું મૂલ્યાંકન સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદના દિવસોમાં પ્રતિ ટીમ 80થી 100 ઉત્તરવહીઓની ચકાસણી માટે આપવામાં આવી હતી.

મૂલ્યાંકન પ્રક્રિયામાં પરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી અને દરેક ઉત્તરવહીનું ગુણવત્તાયુક્ત મૂલ્યાંકન થાય તે માટે ગુણ આપવાના તથા ગુણ કાપવાના માપદંડો અંગે યોગ્ય સૂચનો આપવામાં આવ્યા હતા.

TAT-HS મુખ્ય પરીક્ષાના પરિણામ અંગે બોર્ડની સ્પષ્ટતા

રાજ્ય પરીક્ષા બોર્ડે TAT-HS મુખ્ય પરીક્ષા-2026ના પરિણામ અંગે ફેલાયેલી કેટલીક ખોટી ધારણાઓ અને આંકડાકીય ગેરસમજણો અંગે પણ સ્પષ્ટતા કરી છે.

બોર્ડના જણાવ્યા અનુસાર, TAT-HS પ્રાથમિક પરીક્ષામાં પાસ થવા માટે 35 ટકા એટલે કે 100 ગુણમાંથી 35 ગુણ મેળવવાની જોગવાઈ હતી, જ્યારે મુખ્ય પરીક્ષામાં સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 60 ટકા એટલે કે 200 ગુણમાંથી 120 ગુણ અને કેટેગરીના ઉમેદવારો માટે 55 ટકા એટલે કે 110 ગુણ મેળવવાની જોગવાઈ હતી.

આમ, પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની પાસ થવાની ટકાવારી અલગ હોવાથી બંને પરીક્ષાનાં પરિણામોની ટકાવારીની સીધી સરખામણી કરવી યોગ્ય નથી.

વધુમાં બોર્ડે જણાવ્યું છે કે વર્ષ 2023ની TAT-HS મુખ્ય પરીક્ષાનું પરિણામ 39.61 ટકા રહ્યું હતું, જ્યારે વર્ષ 2026ની મુખ્ય પરીક્ષાનું પરિણામ 30.89 ટકા નોંધાયું છે.

ઉમેદવારોના આંકડા અંગે પણ રજૂ કર્યા તથ્યો

પરીક્ષાના પરિણામ અંગેની બીજી એક ગેરસમજણ દૂર કરતાં બોર્ડે જણાવ્યું છે કે કુલ 49,491 પૈકી 48,788 ઉમેદવારો સફળ ઉમેદવાર તરીકે અને 7095 નિષ્ફળ ઉમેદવાર તરીકે દર્શાવાયા છે. આ ઉપરાંત 3 ઉમેદવારોના કિસ્સામાં ગેરરીતિના કેસ નોંધાયા હોવાથી તેમનો સમાવેશ સફળ કે અસફળ ઉમેદવારોમાં કરવામાં આવ્યો નથી.

બોર્ડના જણાવ્યા અનુસાર, આ આંકડાઓના આધારે પરિણામ અંગે ફેલાયેલી ગેરસમજણો દૂર કરવાની જરૂર છે.

નિષ્પક્ષ મૂલ્યાંકન માટે અનુભવી પરીક્ષકોની નિમણૂક

બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે મૂલ્યાંકનનું કાર્ય અનુભવી સરકારી શાળાઓના રેગ્યુલર શિક્ષકો દ્વારા જ કરવામાં આવ્યું છે. મોડરેશનની કામગીરીમાં ડાયટના અનુભવી તજજ્ઞો તેમજ સરકારી શાળાઓના અનુભવી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી.

આ સમગ્ર વ્યવસ્થા પરીક્ષાની નિષ્પક્ષતા અને ગુણવત્તા જાળવવાના હેતુથી ઊભી કરવામાં આવી હોવાનું બોર્ડે જણાવ્યું છે.

રીચેકિંગ માટે ઉમેદવારોને તક

TAT-HS મુખ્ય પરીક્ષા-2026ના પરિણામ બાદ રીચેકિંગ કરાવવા ઇચ્છતા ઉમેદવારો માટે પણ રાજ્ય પરીક્ષા બોર્ડે વ્યવસ્થા કરી છે. ઉમેદવારો તા. 18 નવેમ્બર 2026થી તા. 21 નવેમ્બર 2026 સુધી ઓનલાઈન વેબસાઇટ મારફતે અરજી કરી શકશે.

બોર્ડના જણાવ્યા અનુસાર, રીચેકિંગની પ્રક્રિયા નિષ્પક્ષ, ઝીણવટભરી અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે. આ સાથે ઉમેદવારોને તેમના ગુણ અંગેની રજૂઆત કરવાની તક પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *