અકસ્માત બાદ ક્રાઈમ અને એફએસએલની ટીમ રોહિણી સેક્ટર-15માં આવેલા જીમપ્લેસ ફિટનેસ ઝોન નામના જીમમાં પહોંચી

નવી દિલ્હી
દિલ્હીના રોહિણીના કેએન કાટજૂ માર્ગ વિસ્તારમાં એક જીમની અંદર ટ્રેડમિલમાં કરંટ આવવાથી યુવકનું મોત થઈ ગયુ છે. આ ઘટના મંગળવારે સવારે 7:00 વાગ્યાની છે. મૃતક 24 વર્ષનો છે. પોલીસે જીમ ઓપરેટર અનુભવ દુગ્ગલ સામે બેદરકારીના કારણે મોતની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. અકસ્માત બાદ ક્રાઈમ અને એફએસએલની ટીમ રોહિણી સેક્ટર-15માં આવેલા જીમપ્લેસ ફિટનેસ ઝોન નામના જીમમાં પહોંચી હતી.
તપાસ બાદ એફએસએલની ટીમે પોલીસને જણાવ્યું કે, ટ્રેડમિલના મેટલ પાર્ટમાં કરંટ આવી રહ્યો છે. પોલીસે તપાસ અને પ્રત્યક્ષદર્શીના નિવેદનના આધારે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે જીમમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ કબજે કર્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ફૂટેજમાં નજર આવ્યું કે, સક્ષમ નામનો યુવક વર્કઆઉટ કર્યા બાદ ટ્રેડમિલ પર બેસતાની સાથે જ તેને કરંટ લાગ્યો જેના કારણે તેનું મોત નીપજ્યું.
મૃતક સક્ષમ દિવ્ય જ્યોતિ એપાર્ટમેન્ટ સેક્ટર-19 રોહિણીમાં રહેતો હતો. તે ગુરુગ્રામ સ્થિત એક મલ્ટી નેશનલ કંપનીમાં જોબ કરતો હતો. તે રોહિણી સેક્ટર-15 સ્થિત જીમમાં વર્કઆઉટ કરતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના સભ્યો તેમના પુત્રના લગ્ન માટે છોકરી પણ શોધી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કેશવ નામનો યુવક પણ સક્ષમ સાથે વર્કઆઉટ કરી રહ્યો હતો. સક્ષમને પડતા જોઈ કેશવે તેનો હાથ પકડી લીધો જેના કારણે કેશવને પણ કરંટ લાગ્યો હતો પરંતુ કોઈક રીતે તેણે સંભાળીને ટ્રેડમિલ મશીન બંધ કરી દીધું.
કેશવે તરત જ અન્ય લોકોની મદદથી સક્ષમના હાથ-પગ ઘસ્યા પણ તેના શરીરમાં કોઈ હલચલ જણાતી ન હતી. ઉતાવળમાં બધા તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ સક્ષમને મૃત જાહેર કર્યો. પોલીસે આ કેસમાં કેશવનું નિવેદન નોંધ્યું છે. સક્ષમના મૃત્યુથી સનસનાટી ફેલાઈ ગઈ છે. તે ઘરનો એકમાત્ર પુત્ર હતો. મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરતો હતો. પરિવારના સભ્યો તેના માટે છોકરી શોધી રહ્યા હતા પરંતુ એક અકસ્માતે આખા પરિવારને વિખેરી નાખ્યું.
