આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્ટિવ થયા હતા અને તેમણે મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ સાથે ફોન પર વાતચીત કરી

નવી દિલ્હી
મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડ કરાવવા મામલે એક વીડિયો વાયરલ થયા બાદથી સમગ્ર દેશમાં હોબાળો થયો છે. જોકે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્ટિવ થયા હતા અને તેમણે મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ સાથે ફોન પર વાતચીત કરી હતી.
આ મામલે મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે કહ્યું કે વીડિયો સામે આવ્યા બાદ મણિપુરની પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી અને આ મામલે પ્રથમ અને મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ આ મામલે ગાઢ તપાસ ચાલી રહી છે અને અમે એ સુનિશ્ચિત કરીશું કે તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેમાં મૃત્યુદંડની સંભાવના પર વિચાર કરવામાં આવે. બિરેન સિંહે કહ્યું કે ગઈકાલે રાતે આશરે 1:30 વાગ્યાના સુમારે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી હતી.
મણિપુરમાં ગત અનેક દિવસોથી બે સમુદાયો વચ્ચે સતત હિંસા વધતી જઈ રહી છે. સોશિયલ મીડિયા પર મણિપુરમાં થઈ રહેલી હિંસાનો એક વીડિયો વાયરલ થયા બાદ લોકોની આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી. આ વીડિયોમાં એક સમુદાયની બે મહિલાઓને બીજા પક્ષના અમુક લોકો નગ્ન કરી માર્ગો પર ફેરવી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ આખા દેશમાં રોષ ફેલાયો હતો. મુખ્યમંત્રી એન.બિરેન સિંહે કહ્યું હતું કે આ વીડિયો જોઈને મને બહુ ખરાબ લાગ્યું. મેં આ મામલે પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.
