હવે પ્લેટફોર્મનું નવું યુઆરએલ પણ બદલીને એક્સ.કોમ કરવામાં આવ્યું, આ ફેરફારો પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગયા
વોશિંગ્ટન
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનું નામ, લોગો અને યુઆરએલ બધું જ બદલાઈ ગયું છે. ગયા વર્ષે તેને ખરીદનારા અમેરિકન અબજોપતિ એલન મસ્કે સૌથી મોટા ફેરફાર તરીકે જૂના ટ્વિટરને ખત્મ કરીને નવા એક્સની શરૂઆત કરી છે. હવે ટ્વિટરનું નામ બદલીને એક્સ કરવામાં આવ્યું છે અને બ્લુ બર્ડના લોગોની જગ્યાએ એક્સનો લોગો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, હવે પ્લેટફોર્મનું નવું યુઆરએલ પણ બદલીને એક્સ.કોમ કરવામાં આવ્યું છે. આ ફેરફારો પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગયા છે.
ટ્વિટરના સીઈઓ લિન્ડા યકારિનોએ પોતે આ ફેરફારોની જાણકારી આપી છે અને મસ્કના દાવાની પુષ્ટિ કરી છે. એલન મસ્ક પહેલાથી જ સંકેત આપી ચૂક્યા હતા કે તેઓ ટ્વિટરમાં ઘણા ફેરફાર કરીને યુઝર્સને સંપૂર્ણપણે નવો અનુભવ આપશે અને તેમણે ઘણા ફેરફારો પણ કર્યા હતા, પરંતુ હવે તેમના તરફથી સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે. પ્લેટફોર્મને સંપૂર્ણપણે બદલવા પાછળનું કારણ એ છે કે મસ્ક ટ્વિટર નામ સાથે આગળ વધવા નથી માંગતા. આ ફેરફારને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
મસ્કે ટ્વીટમાં જણાવ્યું હતું કે ટ્વિટરમાં જે ફેરફાર કરવામાં આવી રહ્યા છે તે ધીમે-ધીમે તમામ માર્કેટમાં યુઝર્સને જોવા મળશે અને તેની શરૂઆત કરી દેવામાં આવી છે. ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટના નામથી લઈને પ્રોફાઈલ ફોટો બદલાઈ ગઈ છે. જો કે તેનું હેન્ડલ હજુ પણ @ટ્વીટર છે. આ સિવાય યુઝર્સ જ્યારે એક્સ.કોમ ની મુલાકાત લે છે ત્યારે તેમને ટ્વિટર પર રીડાયરેક્ટ કરવામાં આવી રહ્યા છે .
એલન મસ્કએ ગયા વર્ષે ટ્વિટર ખરીદ્યા પછી ઘણા મોટા ફેરફારો કર્યા છે અને યુઝર્સને બ્લુ ટિક માટે માસિક સબ્સ્ક્રિપ્શન લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. અગાઉ મસ્કે મજાકમાં શિબા ઇનુ ડોગ મીમ, ડોજીકોઇન ક્રિપ્ટો ટોકનના લોગોને ટ્વિટરનો લોગો બનાવ્યો હતો. મસ્ક ટ્વિટર પર દરરોજ આવા ફેરફારો કરી રહ્યા છે, જે હેડલાઇન્સ બનાવે છે.