અમ્પાયરે હરમનપ્રીતને એલબીડબલ્યુ આઉટ જાહેર કરતા તેણે બેટ વડે જોરથી સ્ટમ્પ પર માર્યું જેની આ હરકત પર બીસીસીઆઈ એક્શન મોડમાં આવી
ઢાકા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે શનિવારે ત્રીજી અને અંતિમ વનડે રમાઈ હતી. આ અંતિમ વનડે મેચ ટાઈ થઇ હતી. ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને આ મેચમાં અમ્પાયરના નિર્ણય પર ગુસ્સો આવ્યો હતો. અમ્પાયરે તેને એલબીડબલ્યુ આઉટ જાહેર કરી હતી. તે બાદ તેણે બેટ વડે જોરથી સ્ટમ્પ પર માર્યું હતું. હરમનપ્રીતની આ હરકત પર બીસીસીઆઈ એક્શન મોડમાં આવી ગઈ છે.
ભારતીય મહિલા કેપ્ટન રમતના સાધનોને નુકસાન પહોંચાડવા અને અમ્પાયરોની ટીકા કરવા બદલ બે મેચના પ્રતિબંધનો સામનો કરી શકે છે, જેનો અર્થ એ થઈ શકે છે કે તે એશિયન ગેમ્સની શરૂઆતની મેચો નહી રમી શકે. હરમનપ્રીતને નાહિદા અખ્તરની બોલ પર એલબીડબલ્યુ આઉટ કરવામાં આવી હતી પરંતુ તેણે દાવો કર્યો હતો કે બોલ તેના બેટના તળિયે વાગી ગયો હતો. પેવેલિયન પરત ફરતા પહેલા તેણે પોતાનો ગુસ્સો સ્ટમ્પ પર કાઢ્યો હતો.
આ પછી તેણે પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશન સેરેમનીમાં અમ્પાયરોની ટીકા કરી અને એમ પણ કહ્યું કે અમ્પાયરોએ બંને ટીમો સાથે ટ્રોફી સમારંભમાં હાજરી આપવી જોઈએ. તેના અસભ્ય વર્તનને કારણે બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલ્તાના તેની ટીમ સાથે ત્યાંથી નીકળી ગઈ અને ભારતીય કેપ્ટનને શિષ્ટાચાર શીખવાની સલાહ આપી હતી.
બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું, હરમનપ્રીત પર રમતના સાધનોને નુકસાન પહોંચાડવાનો અને મેચ અધિકારીઓની ટીકા કરવાનો આરોપ છે અને તેના ખાતામાં ત્રણ ડીમેરિટ પોઈન્ટ ઉમેરવા કે ચાર આ અંગે ચર્ચા ચાલી રહી છે. જો 24 મહિનાની અંદર ચાર ડીમેરિટ પોઈન્ટ પ્રાપ્ત થાય છે, તો ખેલાડી એક ટેસ્ટ અથવા બે મર્યાદિત ઓવરોની મેચમાંથી બહાર થઈ શકે છે, આ સ્થિતિમાં તે એશિયન ગેમ્સની બે મેચમાંથી બહાર થઈ શકે છે.