ભારતનો વેસ્ટઈન્ડિઝ સામેની પ્રથમ વન-ડે પાંચ વિકેટ વિજય

Spread the love

ભારતે માત્ર 22.5 ઓવરમાં જ 115 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો


બાર્બાડોસ
ભારતે વેસ્ટ ઈન્ડિઝને ત્રણ મેચોની વનડે સીરિઝની પ્રથમ વનડેમાં પાંચ વિકેટે હરાવ્યું હતું. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય બોલરોનો દબદબો રહ્યો હતો. ભારતે માત્ર 22.5 ઓવરમાં જ 115 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ભારતીય ટીમે ટેસ્ટ બાદ વનડેમાં પણ શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે 45 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે શિમરોન હેટમાયર અને કેપ્ટન શાઈ હોપ વચ્ચે 43 રનની ભાગીદારી થઈ હતી પણ ટીમે છેલ્લી સાત વિકેટ 26 રનમાં ગુમાવી દીધી હતી અને 23 ઓવરમાં 114 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગમાં સાત બેટ્સમેન બે આંકડાનો સ્કોર પણ કરી શક્યા ન હતા.
ભારતીય ટીમને 115 રનનો ટાર્ગેટ હાંસલ કરવામાં કોઈ મુશ્કેલી પડી ન હતી. ભારતીય ટીમે ઓછા ટાર્ગેટને જોતા બેટિંગ લાઈન અપમાં પણ આશ્ચર્યજનક ફેરફારો કર્યા હતા જેમાં ઈશાન કિશનને શુભમન ગિલ સાથે ઓપનિંગ માટે મોકલવામાં આવ્યો હતો, જ્યારે સૂર્યકુમાર ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. પાંચ વિકેટ પડી ગયા બાદ પણ વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો ન હતો, જ્યારે કેપ્ટન રોહિત સાતમા નંબરે બેટિંગ કરી હતી. ભારતીય ટીમનો વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં આ સતત નવમો વિજય હતો. આ વનડે મેચમાં 4 વિકેટ લેનાર કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
ભારતીય ટીમ સામે વેસ્ટ ઈન્ડિઝનો આ વન-ડે ઈન્ટરનેશનલમાં તેનો બીજો સૌથી નિમ્ન સ્કોર હતો. આ સિવાય હોમ ગ્રાઉન્ડ પર ભારત સામે આ તેનો સૌથી નિમ્ન વનડે સ્કોર કર્યો હતો. આ પહેલા વર્ષ 1997માં પોર્ટ ઓફ સ્પેનના મેદાન પર વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 121 રન જ બનાવી શકી હતી. આ સાથે તે ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝનો સંયુક્ત ત્રીજો સૌથી નિમ્ન સ્કોર પણ હતો. આ વનડેમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ મળીને કુલ સાત વિકેટ ઝડપી હતી. આ સાથે જ જાડેજા અને કુલદીપે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો જેમા હવે જાડેજા-કુલદીપની જોડી વન-ડેમાં સાત કે તેથી વધુ વિકેટ લેનારી પ્રથમ ભારતીય ડાબોડી સ્પિન જોડી બની છે. આ ઉપરાંત ઇતિહાસમાં ચોથી વખત બન્યું છે જ્યારે ભારતે વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 23 ઓવરમાં અથવા તે પહેલાં વિરોધી ટીમને ઓલઆઉટ કરી દીધી હતી.

Total Visiters :365 Total: 1502050

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *