100થી વધુના તોફાની ટોળાએ પત્થરમારો કરતા જજે સ્ટાફ સાથે ભાગવું પડ્યું

નૂહ
હરિયાણાના મેવાત જીલ્લાના નૂંહમાં ધાર્મિક યાત્રા દરમિયાન ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા વચ્ચે ટોળાએ નૂહના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કાર પર હુમલો કર્યો હતો અને કારને આગ ચાંપી દીધી હતી. હુમલા સમયે જજ અને તેમની ત્રણ વર્ષની પુત્રી ઉપરાંત સ્ટાફના સભ્યો કારમાં હતા. સદભાગ્યે બધા બચી ગયા હતા.
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાંથી આ માહિતી બહાર આવી છે. નૂહ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું કે સોમવારે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (એસીજેએમ) અંજલિ જૈનના વાહન પર હુમલાખોરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ અને તેની પુત્રીને ભાગવું પડ્યું હતું.
એક અખબારી અહેવાલ મુજબ 1 ઓગસ્ટના રોજ જ્યારે નૂંહ ડિસ્ટ્રિક્ટ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંજલિ જૈન, તેની ત્રણ વર્ષની દીકરી અને ગનમેન નલહારની એસએચકેએમ મેડિકલ કૉલેજમાંથી દવાઓ લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે 100 લોકોનું ટોળું સામે આવ્યું હતું. ટોળાએ તેની કાર પર પથ્થરમારો શરૂ કર્યો.
ન્યાયાધીશ, તેમની પુત્રી અને સ્ટાફને નૂંહના જૂના બસ સ્ટેન્ડ પરની વર્કશોપમાં આશ્રય લેવો પડ્યો હતો, કેટલાક વકીલોએ બાદમાં તેમને બચાવી લીઅધા હતા. નૂંહ એસીજેએમની કોર્ટમાં પ્રોસેસર સર્વર તરીકે કામ કરતા ટેકચંદ નામના વ્યક્તિની ફરિયાદ પર અજાણ્યા વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
