અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વર્ષગાંઠ છે

વોશિંગ્ટન
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ કરવા માટે સમર્થન કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ‘જેમ કે અમે પહેલા કહ્યું છે, અમે ચિંતા વાળા મુદ્દાઓ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીતનું સમર્થન કરીશું’. ખાસ વાત એ છે કે અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વર્ષગાંઠ છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે તાજેતરમાં જ પોતાના એક નિવેદનમાં ભારત સાથે વાતચીત શરુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પાકિસ્તાની વડાપ્રધાનના આ નિવેદન અંગે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. સોમવારે ઈસ્લામાબાદમાં મિનરલ્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે કહ્યું હતું કે તેઓ દેશના પુનઃનિર્માણ માટે પડોશી દેશો સાથે વાતચીત માટે તૈયાર છે.
આ પહેલીવાર નથી જ્યારે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતનું સમર્થન કર્યું હોય. આ વર્ષે માર્ચમાં પણ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના તત્કાલિન પ્રવક્તા નેડ પ્રાઈસે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે અમેરિકા બંને દેશો વચ્ચે વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ પહેલા બંને દેશોએ આ માટે તૈયાર રહેવું જોઈએ. નેડ પ્રાઈસે કહ્યું હતું કે અમેરિકા બંને દેશોના સહયોગી તરીકે વાતચીત માટે મધ્યસ્થી કરવા તૈયાર છે.
