બુધવારે બે ફાઇનલ મેચો રમાશે: ગર્લ્સ ફૂટસાલ એ.આર.એ.ફૂટબોલ ક્લબ અને શાર્પશૂટર ફૂટબોલ ક્લબ વચ્ચે બપોરે 3 વાગે રમાશે
પુરૂષ વર્ગમાં સાંજે પાંચ વાગે બરોડા ફૂટબોલ એકેડેમી અને એ.આર.એ.ફૂટબોલ ક્લબ ટકરાશે
મંગળવારે રમાયેલી પુરૂષ વર્ગની બે સેમિફાઇનલ મેચોમાં જગરનોટ ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને પારૂલ ફૂટબોલ ક્લબ પરાજિત થતાં એલિમિનેટ થઈ
વડોદરા
અત્રે સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી જી.એસ.એફ.એ.ની ગુજરાત સ્ટેટ ફૂટસાલ ગર્લ્સ ચેમ્પિયનશીપ અંતિમ તબક્કામાં પહોંચી છે. 31 મે બુધવારે બે ફાઇનલ મેચો રમાશે. ગર્લ્સ ફૂટસાલની ફાઇનલ અમદાવાદની એ.આર.એ.ફૂટબોલ ક્લબ અને શાર્પશૂટર ફૂટબોલ ક્લબ વચ્ચે રમાશે. જ્યારે પુરૂષ વર્ગમાં બરોડા ફૂટબોલ એકેડેમી અને એ.આર.એ.ફૂટબોલ ક્લબ ટકરાશે: મંગળવારે રમાયેલી બે સેમિફાઇનલ મેચોમાં જગરનોટ ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને પારૂલ ફૂટબોલ ક્લબ, વડોદરા પરાજિત થતાં એલિમિનેટ થઈ.
પહેલી સેમિ ફાઇનલ મેચ 30 મે મંગળવાર બપોરે બરોડા ફૂટબોલ એકેડેમી અને જગરનોટ ફૂટબોલ ક્લબ, અમદાવાદ વચ્ચે રમાઈ. તેમાં બરોડા ફૂટબોલ એકેડેમીએ જગરનોટ ફૂટબોલ ક્લબ, અમદાવાદને ત્રણ વિરુદ્ધ બે ગોલથી હરાવી. કાંટે કી ટક્કર સમાન આ મેચમાં બન્ને ટીમોએ પ્રથમ હાફમાં બબ્બે ગોલ કરી દીધા હતા. જો કે સેકન્ડ હાફમાં બરોડા ફૂટબોલ એકેડેમીએ વધુ એક ગોલ કરી દેતાં તેણે જગરનોટ પર સરસાઈ મેળવી લીધી.
બીજી સેમિ ફાઇનલ મેચ 30 મે મંગળવાર સાંજે પારૂલ ફૂટબોલ ક્લબ અનેએ.આર.એ.ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઈ. તેમાં એ.આર.એ.ફૂટબોલ ક્લબે દસ વિરુદ્ધ ચાર ગોલથી પારૂલ ફૂટબોલ ક્લબને હરાવી દીધી. એ.આર.એ.ફૂટબોલ ક્લબે પ્રથમ હાફમાં ત્રણ અને બીજા હાફમાં સાત ગોલ ફટકારી દીધા. સામે છેડે પારૂલ ફૂટબોલ ક્લબ પ્રથમ હાફમાં એક અને બીજા હાફમાં ત્રણ જ ગોલ કરી શકી.
બુધવારે બન્ને વર્ગની ફાઇનલ મેચો રમાઈ ગયા બાદ ટ્રોફી વિતરણ કાર્યક્રમ મહાનુભાવોના હસ્તે યોજવાનું આયોજન થઈ રહ્યું છે.