બિલમાં આંકડાની સારસંભાળ અને પ્રસંસ્કરણ કરતા એકમો માટે જવાબદેહી સાથે લોકોના અધિકારોને સ્પષ્ટ કરાયા
નવી દિલ્હી
કોઈ પણ એકમ હવે નાગરિકો વિશે ડિજિટલ રીતે સંગ્રહ કરાયેલી જાણકારી કે આંકડાનો દુરુપયોગ કરશે કે પછી તેનું સંગ્રહ કરવામાં નિષ્ફળ રહેશે તો તેના પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ જોગવાઈ સંસદમાં રજૂ કરાયેલા ડિજિટલ પર્સનલ ઈન્ફર્મેશન પ્રોટેક્શન બિલ – 2023માં કરાઈ છે.
બિલમાં આંકડાની સારસંભાળ અને પ્રસંસ્કરણ કરતા એકમો માટે જવાબદેહી સાથે લોકોના અધિકારોને સ્પષ્ટ કરાયા છે. સંસદમાં રજૂ કરાયેલા બિલમાં ભારતીય વ્યક્તિગત માહિતી સંરક્ષણ બોર્ડની રચના કરવાનો પ્રસ્તાવ પણ છે. પ્રસ્તાવના મુસદ્દાની તુલનાએ બિલમાં દંડના નિયમોમાં અમુક રાહત અપાઈ છે. જાહેર ચર્ચા વિચારણાં માટે મુસદ્દો નવેમ્બર 2022માં જારી કરાયો હતો. બિલમાં જણાવાયું છે કે જો બોર્ડ કોઈ તપાસના આધારે એ શોધી લેશે કે કોઈ વ્ય્ક્તિએ એક્ટની જોગવાઈઓ કે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તે ગંભીર મામલો છે તો તે વ્યક્તિને સુનાવણીની તક આપ્યા બાદ અનુસૂચિમાં નક્કી કરાયેલા આર્થિક દંડ ફટકારાઈ શકે છે. આ દંડની રકમ મહત્તમ 250 કરોડ રૂપિયા અને લઘુત્તમ 50 કરોડ રૂપિયા હોઈ શકે છે.
બિલ અનુસાર આ એક્ટની જોગવાઈઓ હેઠળ સારા વિશ્વાસમાં કરાયેલા કે કરવામાં આવનારા કોઈ પણ કામ માટે કેન્દ્ર સરકાર, બોર્ડ અને તેના અધ્યક્ષ તથા તેના કોઈ પણ સભ્ય, અધિકારી કે કર્મચારી વિરુદ્ધ કોઈ કેસ, મામલો, ફરિયાદ કે અન્ય કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે. જોગવાઈઓ હેઠળ કેન્દ્રને બોર્ડથી લેખિતમાં પ્રાપ્ત થતા સામાન્ય લોકોના હિતમાં કન્ટેન્ટ સુધી પહોંચ પર રોક લગાવવાનો અધિકાર રહેશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે સંસદથી પસાર થયા બાદ તે બિલ તમામ નાગરિકોના અધિકારોની સુરક્ષા કરશે.