મામલાની ગંભીરતાને જોતાં એનએસજીની ટીમને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી, જે વસ્તુ મળી છે તે એક જૂનો મોર્ટાર શેલ હોઈ શકે છે
નવી દિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં મિસાઈલ જેવી વસ્તુ મળી હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. મામલાની ગંભીરતાને જોતાં એનએસજીની ટીમને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી હતી. અત્યાર સુધીની માહિતી અનુસાર, જે વસ્તુ મળી છે તે એક જૂનો મોર્ટાર શેલ હોઈ શકે છે.
અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસે રવિવારે રોહિણી સેક્ટરમાં આવેલી મુનાક કેનાલમાંથી એક જૂનો મોર્ટાર શેલ મળ્યો હોવાની માહિતી આપી. જેના પછી એનએસજીની ટીમે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર દિલ્હી, આઉટર) રવિ કુમાર સિંહે જણાવ્યું હતું કે આ શેલ સમયપુર બદલી પોલીસ સ્ટેશન વિસ્તારના રોહિણી સેક્ટર 28માં આવેલી કેનાલમાંથી મળી આવ્યો છે. સિંહે કહ્યું કે, તે જૂનો અને પોકળ અને કોહવાઈ ચૂકેલો શેલ લાગે છે પરંતુ તેના સુરક્ષિત નિકાલ માટે તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, સાંજે લગભગ 5 વાગે એક વ્યક્તિ કેનાલમાં નહાતો હતો, ત્યારે આ શેલ તેના પગ સાથે અથડાઈ ગયો. જે બાદ પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને તેને નિષ્ક્રિય કરવા એનએસજીને પત્ર લખ્યો છે. જે મોર્ટાર શેલ મળી આવ્યો છે તે ખૂબ જ જૂનો અને કાટ ખાઈ ચૂક્યો છે.