આ પત્રોમાં કહેવામાં આવ્યું છે કે, અમારો ઈરાદો કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, જે પેઢીઓથી અહીં રહી રહ્યા છે તેમને છોડીને હાલના વર્ષમાં અહીં રહેતા લોકોની ઓળખ ચકાસાશે
ચંદિગઢ
હરિયાણાના ત્રણ જિલ્લા રેવાડી, મહેન્દ્રગઢ અને ઝજ્જરની પચાસથી વધુ પંચાયતોએ તેમના સંબંધિત વિસ્તારોમાં મુસ્લિમ વેપારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પત્રો જારી કર્યા છે. આ પચાસ પંચાયતોના સરપંચોના હસ્તાક્ષર કરાયેલા પત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે, તેમના મોટાભાગના ગામોમાં લઘુમતી સમુદાયના બહુ ઓછા રહેવાસીઓ છે. એટલા માટે અહીંના મુસ્લિમોએ પોત-પોતાના દસ્તાવેજો પોલીસને જમા કરાવવા પડશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, અમારો ઈરાદો કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. જે પેઢીઓથી અહીં રહી રહ્યા છે તેમને છોડીને હાલના વર્ષમાં અહીં રહેતા લોકોની ઓળખ ચકાસવામાં આવશે.
જોકે, આ સમગ્ર મામલે મહેન્દ્રગઢના નારનૌલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનોજ કુમારે જણાવ્યું કે, તેમને કોઈ પ્રકારનો પત્ર નથી મળ્યો. તેઓએ માત્ર સોશિયલ મીડિયા પર જ જોયું છે. જેના આધારે બ્લોક ઓફિસને તમામ પંચાયતોને કારણદર્શક નોટિસ મોકલવા માટે કહેવામાં આવ્યું છે.
પોલીસે એમ પણ કહ્યું કે, આ પ્રકારનો પત્ર જારી કરવો કાયદા વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, આ ગામોમાં લઘુમતી સમુદાયની વસ્તી બે ટકા પણ નથી. અહીં તમામ સદ્ભાવથી રહે છે. આ પ્રકારની નોટિસથી માહોલ બગડે છે.
તાજપુરના એક નિવાસીએ આ પ્રકારના પત્ર અંગે કહ્યું કે, આ નૂહ હિંસાનું રિએક્શન છે. આગળ તેમણે કહ્યું કે, આનાથી અમને કોઈ સમસ્યા નથી. અહીં કુલ 750 ઘર છે પરંતુ આ ગામમાં લઘુમતી સમુદાયનું કોઈ પરિવાર નથી.
બીજી તરફ અન્ય એક ગામ કુંજપુરામાં લઘુમતી સમુદાયના લગભગ 100 લોકો રહે છે. અહીંના નિવાસીઓનું કહેવું છે કે, અમે વર્ષોથી એક સાથે રહીએ છીએ. અમે નૂંહ હિંસા વિશે સાંભળ્યું છે પરંતુ અમારી પર તેની કોઈ અસર નથી. અમારો પરિવાર અહીં 4 પેઢીઓથી રહી રહ્યો છે.