મુંબઈ
કેટલાંક ચોરો એટલા ચાલાક હોય છે કે ચોરી કર્યા પછી પણ કોઈને ગંધ શુદ્ધાં આવતા દેતા નથી. તો કેટલાંક ચોરો મોજશોખ માટે ચોરી કરતા હોય છે અને પછી પોતાના શોખ પૂરા કરતા હોય છે. લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવવા માટે પણ કેટલાંક શખસો ચોરીના રવાડે ચઢી જતા હોય છે. ત્યારે મહારાષ્ટ્ર્ની રાજધાની મુંબઈમાંથી પણ આવી જ એક ચોરીનો ગજબનો કિસ્સો સામે આવ્યો છે. મલબાહ હિલ પોલીસે 27 વર્ષીય ગુડ્ડુ મહેતોને 20 લાખ રુપિયાની કિંમતની ગોલ્ડ ચોરીની આરોપમાં ઝડપી પાડ્યો છે. ગુડ્ડુ એક ફેશન ડિઝાઈનરને ત્યાં રહીને તે કુકનું કામ કરતો હતો. એટલું જ નહીં આ ચાલાક ચોરો ચોરીની રકમમાંથી બિહારમાં સ્થિત પોતાના મકાનનું રિનોવેશન પણ કરાવ્યું હતું.
મલબાહ હિલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, મહેતો છેલ્લાં દસ વર્ષથી ફરિયાદીના ઘરે કામ કરી રહ્યો હતો. તેના લગ્ન પણ થવાના હતા, એટલા માટે તે ઘરનું રિનોવેશન કરાવવા માગતો હતો. એટલા માટે તેણે ફેશન ડિઝાઈનરના ઘરમાંથી ધીરે ધીરે સોનાની ચોરી કરવાનું શરુ કરી દીધુ હતું. ફેબ્રુઆરી મહિનામાં તેણે નોકરી છોડી દીધી હતી. માર્ચના પહેલા અઠવાડિયામાં ફેશન ડિઝાઈનરને જાણવા મળ્યું કે, તેના ઘરમાંથી કેટલાંક સોનાના દાગીના ગાયબ છે. ઓ જાઈને મકાન માલિક ચોંકી ગયા હતા. બદમાં તેઓએ મલબાહ હિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
માલિકે ફરિયાદ કર્યા બાદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ટ્રેસ કર્યો હતો. તપાસમાં એ વાત પણ સામે આવી કે આરોપીએ બિહાર જવા માટે મુંબઈથી અનેકવાર ફ્લાઈટમાં મુસાફરી પણ કરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડીને તેની પાસેથી રુપિયા 17 લાખ રુપિયા પણ કબજે કર્યા હતા. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ચોરે અગાઉ પણ આવી ચોરીને અંજામ આપ્યો છે કે કેમ, આ રીતે કેટલાં લોકોને નિશાન બનાવ્યા છે વગેરે જેવી બાબતો જાણવા માટે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.