તમામની નજર રાધાપ્રિયા અને નામના પર રહેશે

Spread the love

શુક્રવારથી જામનગરમાં સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ

જામનગર

ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની છઠ્ઠી આવૃત્તિનો પ્રારંભ શુક્રવારથી જામનગર ખાતે થઈ રહ્યો છે ત્યારે તમામની નજર રાધાપ્રિયા ગોયેલ અને નામના જયસ્વાલ પર રહેશે. જેએમસી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે 11થી 13મી ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસની સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે.

ગાંધીનગરની રાધાપ્રિયા ગોયેલ અને ભાવનગરની નામના જયસ્વાલ છેલ્લે વડોદરા ખાતેની ટુર્નામેન્ટ ચૂકી ગયા હતા કેમ કે તેઓ ચીનમાં યોજાયેલી યુનિવર્સિટી ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. બે ટાઇટલ જીતી ચૂકેલી રાધાપ્રિયા ચોક્કસપણે તેના ચીન ખાતેના અનુભવને કામે લગાડીને આ વખતે ભાગ લેશે. આ ઉપરાંત નામના પણ જામનગરમાં સફળતા માટે આતુર હશે.

ભાવનગરની નામનાએ ચેંગડુ એફઆઈએસયુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે આ સિઝનમાં ટાઇટલ જીતી શકી નથી અને જામનગરમાં તે બે સુરતીઓની ગેરહાજરીમાં પોતાની છાપ છોડી જવા આતુર હશે.

વડોદરામાં ચેમ્પિયન બનેલી ફ્રેનાઝ છિપીયા અને ક્રિત્વિકા રોય સિંહા ઉપરાંત ઓઇશિકી જોઆરદાર આ વખતે ભાગ લેનારી નથી. ફ્રેનાઝ હાલમાં સીએજી ઇન્સ્ટિટ્યૂટ ગેમ્સની તૈયારી માટે કોલકાતામાં છે.

જામનગરના સ્થાનિક ખેલાડીઓમાં યુવાન તનિશા કતારમલ મોખરે છે. તનિશા પાસે તેના પોતાના પ્રેક્ષકો સામે રમીને જીતવાની સારી તક છે કેમ કે તે અંજર-17, અંડર-19 અને વિમેન્સ કેટેગરીમાં ભાગ લેનારી છે.

દરમિયાન મેન્સ વિભાગમાં મોખરાના પાંચ ખેલાડીમાંથી ત્રણની ગેરહાજરીને કારણે સ્પર્ધા ઓપન બની ગઈ છે. સુરતના બુરહાનુદ્દીન માલુભાઈ અને અમદાવાદના અક્ષિત સાવલા પાસે ઉમદા તક છે કેમ કે સોહમ ભટ્ટાચાર્ય, ધૈર્ય પરમાર અને ચિત્રાક્ષ ભટ્ટ આ વખતે રમવાના નથી.

ફ્રેનાઝની માફક વડોદરામાં ટાઇટલ જીતનારો સોહમ અને ધૈર્ય પણ કોલકાતામાં ઇન્સ્ટિટ્યૂટ ગેમ્સ માટે જનારા છે. ચિત્રાક્ષ ભટ્ટ બીમારીને કારણે આ ઇવેન્ટમાં ભાગ લેનારો નથી.

“અમને આ ટુર્નામેન્ટ માટે ૪૭૫ એન્ટ્રી મળી છે અને આ ઘણી સારી સંખ્યા છે. રાજ્યના મોખરાના ખેલાડીઓને રમતા નિહાળવા તમામ આતુર છે. મને વિશ્વાસ છે જામનગરની આવૃત્તિ તમામ ખેલાડી માટે યાદગાર બની રહેશે. ” તેમ જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ વિક્રમ જાડેજાએ જણાવ્યું હતું.

જેડીટીટીએના સેક્રેટરી પ્રકાશ નંદાએ જણાવ્યું હતું કે “ભાગ લેનારા ખેલાડીઓની યાદીમાંથી કેટલાક જાણીતા ખેલાડી ગેરહાજર છે પરંતુ તેમ છતાં અમે રોમાંચ અનુભવી રહ્યા છીએ. રાધાપ્રિયા, નામના અને જયનિલ (મહેતા) જેવા ખેલાડીઓ સારો અનુભવ ધરાવે છે. મને ખાતરી છે કે તેઓ તેમની શક્તિશાળી રમતથી સૌને પ્રભાવિત કરશે. “

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *