બાઈક સવાર હુમલાખોરો એકાએક આવ્યા હતા અને વોક પર નિકળેલા નેતા પર તાબડતોબ ગોળીઓ ચલાવી મોતને ઘાટ ઉતારી દીધા

મુરાદાબાદ
ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ભાજપ નેતાની ત્રણ બદમાશોએ ગોળી મારી જાહેરમાં કરી હત્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના સમયે ભાજપના નેતા એપાર્ટમેન્ટની બહાર વૉક પર નીકળ્યા હતા. આ દરમિયાન જ બાઈક સવાર હુમલાખોરો એકાએક આવ્યા હતા અને તાબડતોબ ગોળીઓ ચલાવી તેમને મોતને ઘાટ ઉતારી દીધા. પોલીસે ચાર આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરી છે. ભાજપ નેતાની ઓળખ અનુજ ચૌધરી તરીકે છે.
માહિતી અનુસાર આ હત્યારાઓ એકાએક સોસાયટીમાં ધસી આવ્યા હતા. તેમણે પહેલી ગોળી અનુજને ચાલુ બાઈક પરથી જ મારી દીધી. જ્યારે તે ઢળી પડ્યા તો તેમને એક પછી એક ત્રણ ગોળીઓ મારી દીધી. માથામાં ગોળીઓ મારવામાં આવી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ તાત્કાલિક ફરાર થઈ ગયા હતા. સોસાયટીના ગાર્ડ્સ પણ આ ઘટના દરમિયાન કંઈ કરી ના શક્યા.
આરોપીઓએ કોઈ હેલમેટ કે માસ્ક લગાવ્યા વિના જ સોસાયટીમાં ઓચિંતો પ્રવેશ કર્યો. તેઓ રોકટોક વિના જ સોસાયટીમાં પ્રવેશી ગયા હતા અને ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. સોસાયટીના સીસીટીવી કેમેરા પણ બગડેલા હોવાની માહિતી મળતાં પોલીસ માટે કાર્યવાહી કરવી પણ મુશ્કેલ બની છે.