એક દેશ-એક ચૂંટણી ઠીક છે પણ નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ, કેન્દ્ર સરકાર અમારી નિષ્પક્ષ ચૂંટણીની માંગને રોકવા માટે લાવી છેઃ સંજય રાઉત

નવી દિલ્હી
કેન્દ્ર સરકારે ગઈકાલે એક ચોંકાવનારો નિર્ણય કરતા 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ આ વિશેષ સત્રની જાણકારી એક્સ (ટ્વિટર) પર આપી હતી. આ વિશેષ સત્રમાં કુલ પાંચ બેઠકો હશે, સંસદના વિશેષ સત્રને લઈને હવે ઘણી અટકળો લગાવાઈ રહી છે તો બીજી તરફ આ વિશેષ સત્ર પર રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપી છે.
કેન્દ્ર સરકાર આ વિશેષ સત્રમાં એક દેશ-એક ચૂંટણી બિલ લાવી શકે છે ત્યારે હવે શિવસેના (યુટીબી)ના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે એક દેશ-એક ચૂંટણી ઠીક છે પણ નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ. કેન્દ્ર સરકાર અમારી નિષ્પક્ષ ચૂંટણીની માંગને રોકવા માટે લાવી છે, મને લાગે છે કે ચૂંટણી મોળી કરવા માટેનું પણ એક ષડયંત્ર છે. આ લોકો ચૂંટણી કરાવવા માંગતા નથી, આ લોકો ઈન્ડિયાથી ડરી ગયા છે એટલા માટે નવા નવા ફંડા લાવી રહ્યા છે તેમ રાઉતે કહ્યું હતું.
સંસદના વિશેષ સત્રને લઈને કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે સત્રના એજન્ડાને લઈને હજું પણ સસ્પેન્સ છે કે ક્યું બિલ આવશે અને ક્યું બિલ આવશે નહીં. મીડિયામાં ચર્ચા છે કે એક દેશ, એક ચૂંટણીનો કાયદો આવી શકે છે, મહિલા આરક્ષણ અને યુસીસી માટે પણ કાયદો આવી શકે છે. રાશિદ અલ્વીએ વધુમાં જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર વિશેષ સત્ર બોલાવા માંગે છે તો વિપક્ષને વિશ્વાસમાં લઈને સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે, શું દેશમાં તાનાશાહી ચાલી રહી છે. આ ઉપરાંત સમાજવાદીના સાંસદ રામગોપાલ યાદવે કહ્યું કે સંસદીય વ્યવસ્થાની સારી માન્યતાઓને આ સરકારે તોડી રહી છે. જો વિશેષ સત્ર બોલાવવુ હતું તો વિપક્ષી પાર્ટીને અનઔપચારીક રીતે વાત કરવી જોઈતી હતી. વધુમાં રામગોપાલ યાદવે કહ્યું કે એજન્ડા શું છે તે ખબર નથી ને વિશેષ સત્ર બોલાવી લીધુ છે. આ ઉપરાંત રામગોપાલ યાદવે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કમિટીના અધ્યક્ષ બનાવવા પર ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે પરંપરા મુજબ પૂર્વ રાષ્ટ્રપતિને કોઈપણ પદ પર નિયુક્ત ન કરવા જોઈએ.