ટેસ્ટ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલો વોર્નર પાકિસ્તાન સામેની સિડની ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઇ શકે છે, વર્ષના અંતમાં પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે
સિડની
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે ફરી એકવાર પોતાની નિવૃત્તિ અંગે ખુલીને વાત કરી છે. તેણે થોડા સમય પહેલા કહ્યું હતું કે તે વર્ષ 2024 ટી20 વર્લ્ડ કપ સુધી રમવા માંગે છે. હવે વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે પણ મોટો ખુલાસો કર્યો છે. ટેસ્ટ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા વોર્નર પાકિસ્તાન સામેની સિડની ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઇ શકે છે. વર્ષના અંતમાં પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. સિરીઝની છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
ડેવિડ વોર્નર છેલ્લા ઘણા સમયથી પોતાની ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં રમાયેલી 17 ટેસ્ટ મેચોમાં માત્ર એક જ સદી ફટકારી છે. તે સમય સુધીમાં તે ટીમનો ભાગ બનશે કે કેમ તે હજુ નિશ્ચિત નથી. આ સાથે વોર્નરને આશા છે કે ઓસ્ટ્રેલિયાની જર્સીમાં તેની છેલ્લી મેચ 2024 ટી20 વર્લ્ડ કપમાં હશે, જે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનાર છે. આ સાથે ભારતમાં આ વર્ષે યોજાનાર વનડે વર્લ્ડ કપ બાદ તે આ ફોર્મેટને અલવિદા કહી શકે છે.
ડેવિડ વોર્નરે કહ્યું, ‘મેં હંમેશા કહ્યું છે કે વર્લ્ડ કપ કદાચ મારી છેલ્લી મેચ હશે. જો હું અહીં રન બનાવી શકીશ અને ઓસ્ટ્રેલિયા પાછા પરત ફરી રમવાનું ચાલુ રાખીશ તો પણ હું વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ નહીં રમીશ. જો હું અત્યારે રન બનાવીશ અને પાકિસ્તાન સિરીઝમાં પહોંચીશ તો હું તેને ત્યાં જ પૂરી કરીશ. પાકિસ્તાન પ્રવાસ બાદ વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયા આવવું પડશે.
ડેવિડ વોર્નરે વર્ષ 2009માં ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું. તેની પહેલી જ મેચમાં તેણે 43 બોલમાં 89 રન ફટકાર્યા હતા. તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ઈતિહાસનો પહેલો ખેલાડી છે, જેને ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ પહેલા ઈન્ટરનેશનલ મેચ રમવાની તક મળી હતી. અત્યાર સુધીમાં તે 102 ટેસ્ટ, 142 વનડે અને 99 ટી20 મેચ રમી ચૂક્યો છે. તેના ટેસ્ટમાં 8158 રન, વનડેમાં 6030 રન અને ટી20માં 2894 રન છે. તેના નામે 45 આંતરરાષ્ટ્રીય સદી પણ છે.
ડેવિડ વોર્નરે આગળની યોજના વિશે જણાવતા કહ્યું કે હું 2024 વર્લ્ડ કપ રમવા માંગુ છું. તે મારા મગજમાં છે. તે પહેલા મારી પાસે રમવા માટે ઘણું ક્રિકેટ છે અને પછી મને લાગે છે કે તે ફેબ્રુઆરીથી તે મારા માટે પૂર્ણ થઈ જશે. મારે ફરીથી આઇપીએલ અને અન્ય ફ્રેન્ચાઇઝી લીગ રમવી પડશે, જેથી હું જૂનમાં રમવા માટે લયમાં આવી શકું.