બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ પુરાવા સતત વધી રહ્યા છે તેમની સામે લોકોનો આક્રોશ પણ વધી રહ્યો છે પરંતુ તે પછી પણ તેમની ધરપકડ ન કરાયાનો આક્ષેપ
નવી દિલ્હી
દેશના પહેલવાનો ડબલ્યુએફઆઈના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. સિબ્બલે પીએમ મોદી અને બીજેપીના મૌન પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો પર વડાપ્રધાન મોદી અને બીજેપી મૌન છે પરંતુ બ્રિજભૂષણ શરણ સિંહ પરના આરોપો આ મામલાની તપાસ કરવા માટે પૂરતા છે.
સુપ્રીમ કોર્ટમાં કુસ્તીબાજોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ સિબ્બલે ટ્વિટર પર લખ્યું કે, આ મામલાની તપાસ કરનારાઓ માટે આ મેસેજ પૂરતો છે. બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ પુરાવા સતત વધી રહ્યા છે તેમની સામે લોકોનો આક્રોશ પણ વધી રહ્યો છે પરંતુ તે પછી પણ તેમની ધરપકડ કરવામાં નથી આવી અને પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અને આરએસએસ ચૂપ છે. આ સાથે કપિલ સિબ્બલે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, સરકાર બધાની સાથે નથી પરંતુ બ્રિજ ભૂષણની સાથે છે.
28 એપ્રિલના બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બે એફઆઈઆર(એફઆઈઆર) નોંધવામાં આવી હતી. બંને એફઆઈઆરમાં આઈપીસી કલમ 354 354એ, 354ડી અને 34નો હવાલો આપવામાં આવ્યો છે. આ આરોપોમાં એકથી ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
પ્રથમ એફઆઈઆરમાં છ પુખ્ત પહેલવાનો સામેના આરોપો સામેલ છે. આમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના સેક્રેટરી વિનોદ તોમરનું પણ નામ છે. બીજી એફઆઈઆર સગીરના પિતાની ફરિયાદ પર નોંધવામાં આવી છે. આ પોક્સો એક્ટની કલમ 10 હેઠળ છે જેમાં પાંચથી સાત વર્ષની સજાની જોગવાઈ છે.