સાઈ કિશોર પ્રથમ મેચમાં જ ત્રણ કેચ ઝડપનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો
ભારતીય ટીમે એશિયન ગેમ્સ 2023માં પોતાની પ્રથમ મેચમાં નેપાળને 23 રને હરાવ્યું હતું. ક્વાર્ટર ફાઈનલમાં જીત સાથે જ ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. આ મેચમાં ભારત માટે સાઈ કિશોરે ડેબ્યૂ કર્યો હતો. એશિયન ગેમ્સમાં ભારત માટે પ્રથમ વખત રમી રહેલ સાઈ કિશોર રાષ્ટ્રગાનના સમયે ભાવુક થઇ રડવા લાગ્યો હતો. જો કે તેણે પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખતા મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં સાઈ કિશોરનું નામ ખુબ જ પ્રખ્યાત છે. આઈપીએલમાં તે ગુજરાત ટાઈટનની ટીમ તરફથી રમે છે અને તેણે સતત શાનદાર પ્રદર્શન પણ કર્યું છે. તમિલનાડુ ટી20 લીગમાં પણ તે સતત શાનદાર પ્રદર્શન કરતો આવ્યો છે. જયારે આ મેચમાં તેને રમવાની તક મળી ત્યારે તેના સાથી ખેલાડી દિનેશ કાર્તિકે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પોતાની ખુશી વ્યક્ત કરતા દિનેશ કાર્તિકે એક્સ (ટ્વિટર) પર એક પોસ્ટ પણ કરી હતી.
ભારત માટે ડેબ્યૂ કરનાર સાઈ કિશોરે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. નેપાળ સામેની મેચમાં સાઈ કિશોરે ત્રણ કેચ પકડ્યા હતા. આ સાથે જ તે ડેબ્યૂ મેચમાં ત્રણ કેચ પકડનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. સાઈ કિશોરે પોતાની ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ ઝડપી હતી.