ભાગ લેનારની ઉંમરને ધ્યાનમાં રાખીને વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયન 2023માંથી ભારતીય ટીમનું નામ પાછું ખેંચી લેવાનો નિર્ણય

નવી દિલ્હી
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતીય ચેસ પર પડી છે. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (એઆઈસીએફ)એ 14થી 23 ઓક્ટોબર દરમિયાન ઇજિપ્તના શર્મ અલ શેખમાં યોજાનારી વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપમાંથી ખસી જવાની જાહેરાત કરી છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ખેલાડીઓ અને અધિકારીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. ટૂર્નામેન્ટમાં દેશના 39 ખેલાડીઓ ભાગ લેવાના હતા, જેનું સ્થળ ઈઝરાયેલ બોર્ડરથી 400 કિમી કરતા પણ ઓછા અંતરે હતું. ટુર્નામેન્ટમાં અંડર-12, અંડર-10 અને અંડર-8 કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાશે. ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (એઆઈસીએફ)એ વિશ્વ સંસ્થા ફિડેને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટ મુલત્વી રાખવા વિનંતી કરી છે. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (એઆઈસીએફ)એ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝા પટ્ટી પર ચાલી રહેલા સંઘર્ષ અને ભાગ લેનારની ઉંમરને ધ્યાનમાં રાખીને વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયન 2023માંથી ભારતીય ટીમનું નામ પાછું ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.
એઆઈસીએફ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટૂર્નામેન્ટ માટે લગભગ 80 લોકો શર્મ અલ શેખ જવાના હતા, જેમાં ખેલાડીઓ, કોચ અને ખેલાડીઓની સાથે આવેલા લોકો સામેલ હતા. ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશને યુવા ખેલાડીઓની સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે કારણ કે ઇજિપ્ત તેની ગાઝા તેમજ ઇઝરાયેલ સાથેની સરહદ ધરાવે છે.
