અજિતે યરવાડામાં પોલીસની ત્રણ એકર જમીનની હરાજીનો આદેશ આપ્યો હતો

Spread the love

પૂર્વ પોલીસ કમિશનરની વાત સામે આવ્યા બાદ અજિત પવારની મુશ્કેલી વધી શકે છે

મુંબઈ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અંગે પૂર્વ પોલીસ કમિશનરે ચોંકાવનારી વાત કહી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. અગાઉ શિંદે સહિત ઘણા ધારાસભ્યોએ શિવસેનામાં બળવો કરી ભાજપ સાથે ગઠબંધન બનાવી લીધું હતું, તો ત્યારબાદ અજિત પવારે એનસીપીમાંથી બળવો કરી ભાજપ-શિવસેના ગઠબંધનમાં જોડાઈ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. આ બંને મામલે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, તો બીજીતરફ પૂર્વ પોલીસ કમિશનરની વાત સામે આવ્યા બાદ અજિત પવારની મુશ્કેલી વધી શકે છે.

પૂર્વ પોલીસ કમિશનર મીરાન ચડ્ઢા બોરવણકરે પોતાની પુસ્તકમાં ‘મૈડમ કમિશનર’માં અજિત પવારનું નામ લીધા વગર મોટો ધડાકો કર્યો છે. તેમના કહેવા મુજબ, મહારાષ્ટ્રના પુણે જિલ્લાના યરવાડામાં પોલીસની ત્રણ એકર મુખ્ય જમીન આવેલી હતી, જેને તત્કાલીન મંત્રીના આદેશ બાદ હરાજી કરવામાં આવી હતી. તે સમયે મંત્રીએ જ્યારે પોલીસ કમિશનરને જમીન છોડવાનું કહ્યું તો તેમણે આવું કરવાનું ઈન્કાર કરી દીધો. પોલીસ કમિશનરનું કહેવું હતું કે, તેમની પાસે સરકારી કાર્યાલય માટે અને પોલીસ કર્મચારીઓના નિવાસસ્થાન માટે વધુ જગ્યાની જરૂર હોવાથી તે જમીનની હરાજી કરવાની જરૂર ન હતી. આ મંત્રી હતા અજીત પવાર, જેઓ હાલ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે. જમીનની હરાજી કરવાનો નિર્ણય જિલ્લાના સંરક્ષણ મંત્રી દ્વારા લેવાયો હતો અને તત્કાલીન વિભાગીય કમિશનર દ્વારા તેનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

જોકે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ મામલામાં તેમની સંડોવણી હોવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, જિલ્લાના સંરક્ષક મંત્રી પાસે જમીન હરાજી કરવાનો અધિકાર નથી. પુસ્તકમાં બોરવંકરે ‘જિલ્લા મંત્રી’ના નામો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તેના સ્થાને ‘દાદા’નો ઉલ્લેખ કર્યો છે. બોરવંકરે ધ સંડે એક્સપ્રેસને કહ્યું કે, ‘દાદાનો અર્થ અજીત પવાર છે અને તેઓ તે સમયે જિલ્લા સંરક્ષક મંત્રી પણ હતા.’ 

અજિત પવારે કહ્યું કે, હું ક્યારેય જમીનની હરાજીમાં સામેલ થયો નથી. હું આવી હરાજીઓનો વિરોધ કરતો હોઉ છું. ઉપરાંત જિલ્લા સંરક્ષણ મંત્રી પાસે જમીન હરાજી કરવાનો અધિકાર હોતો નથી. અમે આવી તમામ (સરકારી) જમીન ન વેચી શકીએ. આવા મુદ્દાઓ મહેસૂલ વિભાગ હેઠળ આવે છે અને આ વિભાગ મુદ્દાઓ રાજ્ય મંત્રીમંડળ સમક્ષ રાખે છે. જ્યારે અંતિમ નિર્ણય કેબિનેટ કરે છે, જેઓ રેડી રેકનર રેટ મુજબ જમીનની કિંમત નક્કી કરે છે, તેથી હું કહેવા માંગુ છું કે, આ મામલે મારે કોઈ લેવા-દેવા નથી. આવી બાબતોમાં હું હંમેશા સરકારનો પક્ષ કેવી રીતે લઉં છું, તેની તપાસ તમે અધિકારીઓને કરાવી શકો છો. ભલે મારા પર કોઈ દબાણ હોય, મને કોઈ પરવા નથી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *