ગાંધીધામ
માનુષ શાહ અને માનવ ઠક્કરની ગુજરાતની હોનહાર જોડીએ દેશને ગૌરવ અપાવતાં વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર દોહા 2023 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ગુજરાતની જોડી બીજા ક્રમે હતી અને તેમણે રાઉન્ડ ઓફ 16માં 15મા ક્રમની અહેમદ સાદાવી અને રૈફ રૂસ્તેમોવોસ્કીની જોડીને 3-0થી હરાવ્યા બાદ ક્વાર્ટર ફાઇનલમાં તાઇવાનના ચેન ચેઇન-એન અને હ્યુઆંગ યાન ચેંગની જોડીને 3-1થી (11-7, 11-8, 7-11, 11-7) થી હરાવી હતી.
ભારતની ડાબોડી-જમોડી ખેલાડીની માનુષ અને માનવની જોડી સેમિફાઇનલમાં હોંગકોંગની ત્રીજા ક્રમની લી હોન મિંગ અને હો કવાન સામે અત્યંત મજબૂત રહી હતી અને હરીફને 3-1થી (10-12, 11-3, 11-7, 11-8)થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
જોકે ગુજરાતના આ ખેલાડી ફાઇનલમાં મોખરાના ક્રમની કેડ્રિક નુયતિન્ક અને જાકુબ દ્યાજસની જોડી સામે સીધા સેટમાં (8-11, 9-11, 10-12) હારી જતાં તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
મેન્સ સિંગલ્સમાં 23 વર્ષના સુરતના માનવે શાનદાર પ્રદર્શન કરીને તેના ડબલ્સના જોડીદાર માનુષને 3-2 (6-11, 11-6, 11-8, 10-12, 11-8)થી હરાવ્યો હતો. વિશ્વમાં 81મા ક્રમના માનવનો ત્યાર બાદ ભારતના જ અને તેના બાળપણના આદર્શ એ. શરથ કમાલનો સામનો કરવાનો આવ્યો હતો જ્યાં તેનો 3-2 (9-11, 11-8, 7-11, 11-4, 11-4)થી વિજય થયો હતો.
જોકે પોલેન્ડના વિશ્વમાં 546 ક્રમના ખેલાડી દ્યાજસ સામેની ક્વાર્ટર ફાઇનલમાં 1-3થી (6-11, 11-9, 3-11, 10-12) પરાજય થતાં તેના અભિયાનનો અંત આવી ગયો હતો.