બિશન સિંહ બેદીએ ભારત માટે કુલ 77 આંતરરાષ્ટ્રીય મેચમાં 273 વિકેટ લીધી હતી
નવી દિલ્હી
અત્યારે ભારતમાં આઇસીસી વનડે વર્લ્ડકપ 2023નું આયોજન શાનદાર રીતે થઇ રહ્યું છે, પરંતુ આ દરમિયાન ક્રિકેટ જગત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડી બિશન સિંહ બેદીનું નિધન થયું છે. તેમને ટીમ ઈન્ડિયાને કેટલીય મેચો પોતાના દમ પર જીતાડી છે, તે તેમની રહસ્યમય સ્પિન બૉલિંગ માટે જાણીતા હતા.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર બિશન સિંહ બેદીનું સોમવારે નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. ભારતના સર્વશ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક બિશન સિંહ બેદીએ ભારત માટે કુલ 77 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. બિશન સિંહ બેદીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 273 વિકેટ લીધી હતી. બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો. તે એક ઉત્તમ લેફ્ટ આર્મ બૉલર હતા. તેમને 1966 થી 1979 દરમિયાન ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી હતી અને તે જાદુઇ ભારતીય સ્પિન ચોકડીનો પણ એક ભાગ હતા. તેમને 22 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી. તેમને 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટો લીધી હતી. તેમને પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દી 1560 વિકેટો સાથે પૂરી કરી હતી.
ખાસ વાત છે કે, બૉલિંગ ઉપરાંત બિશન સિંહ બેદીમાં નેતૃત્વ ક્ષમતા પણ હતી. બિશન સિંહ બેદીને 1976માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા અને તેમણે 1978 સુધી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. બિશન સિંહ બેદીને એવા કેપ્ટન તરીકે ઓળખવામાં આવે છે કે જેમણે ટીમમાં લડાઈની ક્ષમતા ઉભી કરી અને શિસ્તના સંદર્ભમાં નવા માપદંડો સ્થાપિત કર્યા. કેપ્ટન તરીકે બેદીએ એક નવી સ્ટૉરી પણ લખી. કેપ્ટન તરીકે બિશન સિંહ બેદીએ 1976માં વેસ્ટ ઇન્ડિઝને તેની જ ધરતી પર ટેસ્ટ સીરીઝમાં તે સમયની સૌથી મજબૂત ટીમ કેરેબિયનને હરાવી હતી.
ક્રિકેટને અલવિદા કહ્યા પછી પણ બિશન સિંહ બેદીનો આ રમત સાથેનો સંબંધ ખતમ ન થયો. બિશન સિંહ બેદીએ લાંબા સમય સુધી આ રમત સાથે પોતાને જોડાયેલા રાખ્યા. બેદીએ કૉમેન્ટેટર તરીકે પણ ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ બનાવી હતી. કૉચ તરીકે પણ બિશન સિંહ બેદી લાંબા સમય સુધી ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા, એટલું જ નહીં સ્પિન વિભાગમાં ભારતને મજબૂત રાખવા માટે બિશન સિંહ બેદીએ નવા ખેલાડીઓને તાલીમ આપી અને ભારતીય ક્રિકેટમાં છેલ્લી ઘડી સુધી મહત્વપૂર્ણ યોગદાન આપતા રહ્યા હતા.