આગામી દિવસોમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે આ દરોડા અને સીએમના દીકરા સામે ઈડીના સમન્સે ચર્ચા જગાવી
જયપુર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ વિદેશી ચલણ મેનેજમેન્ટ એક્ટ 1999 (ફેમા)ના એક કેસ હેઠળ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોતને સમન્સ મોકલાવ્યું છે. ઇડીએ આ સમન્સ એવા સમયે મોકલ્યું છે જ્યારે એજન્સી પહેલાથી જ રાજસ્થાન પેપર લીક કેસમાં રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાના ઠેકાણે દરોડાની કાર્યવાહી કરી છે.
આગામી દિવસોમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે આ દરોડા અને સીએમના દીકરા સામે ઈડીના સમન્સે ચર્ચા જગાવી છે. ઈડીએ વૈભવ ગેહલોતને દિલ્હી ઓફિસે પૂછપરછ માટે બોલાવ્યા છે. બીજી બાજુ આજે સવારે જ ઈડીની ટીમ રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખના જયપુર, દૌસા અને સીકરમાં આવેલા ઠેકાણે ત્રાટકી હતી. હજુ શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીની માહિતીના હિસાબે આ દરોડા રાજસ્થાન પેપર લીક કેસમાં મની લોન્ડરિંગની તપાસ મામલે પડાયા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ઈડીએ મુંબઈમાં એક હોટેલ ફર્મ સામે મની લોન્ડરિંગની તપાસમાં દરોડાની કાર્યવાહી કરી હતી. તે દરમિયાન જ ફેમા હેઠળ જયપુર, ઉદયપુર, મુંબઈ અને દિલ્હીમાં વિવિધ સ્થળોએ 29થી 31 ઓગસ્ટ સુધી તપાસ અભિયાન ચલાવાયું હતું. આ કંપનીના નિર્દેશ રતન કાંત શર્મા છે જે રાજસ્થાનના સીએમ ગેહલોતના દીકરા વૈભવ ગેહલોતના પાર્ટનર છે.