સ્ટેન્ડઅલોન સ્ટુડિયો અને ચૂનંદા ટીરા સ્ટોર્સ થકી ફેસજીમના સિગ્નેચર ફેશિયલ વર્કઆઉટ્સને ભારતમાં લાવવામાં આવશે
મુંબઈ
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (આરઆરવીએલ) આજે યુકે-સ્થિત ફેસજીમમાં વ્યૂહાત્મક લઘુમતી હિસ્સાના રોકાણની જાહેરાત કરી છે. ફેસજીમ ચહેરાની ફિટનેસ અને સ્કિનકેરમાં વૈશ્વિક પ્રણેતા છે. આ રોકાણ આરઆરવીએલ દ્વારા ઉચ્ચ-વૃદ્ધિ ક્ષમતા ધરાવતાં બ્યુટી અને વેલનેસ સેગમેન્ટમાં સતત વિસ્તરણ માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.

પ્રસિદ્ધ બ્યુટી અને વેલનેસ ઉદ્યોગસાહસિક ઇન્ગે થેરોન દ્વારા સ્થપાયેલા ફેસજીમે શસ્ત્રક્રિયા વગરના ફેશિયલ વર્કઆઉટ્સને અદ્યતન સ્કિનકેર ફોર્મ્યુલેશન્સ સાથે જોડીને સ્કિનકેર માટે એક પરિવર્તનકારી અભિગમ અપનાવ્યો છે. ઘણા વૈશ્વિક બજારોમાં મોટી લોકપ્રિયતા ધરાવતું ફેસજીમ બ્યુટી, વેલનેસ અને ફિટનેસના સંગમ પર એક નવી કેટેગરી બનાવવા માટે વ્યાપકપણે ઓળખાય છે.
આ ભાગીદારી દ્વારા રિલાયન્સ રિટેલનું ટીરા ફેસજીમના ભારતમાં પ્રવેશનું નેતૃત્વ કરશે – જેમાં તેની સ્થાનિક કામગીરી અને બજાર વિકાસનું સંચાલન કરીને બ્રાન્ડના નવીન કોન્સેપ્ટને ભારતીય ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. રિલાયન્સ આગામી પાંચ વર્ષમાં ભારતમાં ફેસજીમની હાજરી સ્થાપિત કરશે અને તેનું વિસ્તરણ કરશે, તેમાં મુખ્ય શહેરોમાં સ્ટેન્ડઅલોન સ્ટુડિયો અને પસંદગીનાટીરાસ્ટોર્સમાં ખાસ પસંદ કરાયેલી જગ્યાઓનો સમાવેશ થશે.
આ વિસ્તરણ રિલાયન્સની મજબૂત રિટેલ ઇકોસિસ્ટમ, બજાર નિપુણતા અને ઊંડી ગ્રાહક સમજણનો લાભ ઉઠાવશે, જેથી ઝડપથી વિકસતા બ્યુટી સેગમેન્ટમાં ફેસજીમની અનન્ય સેવાને રજૂ કરી શકાય અને તેનું વિસ્તરણ કરી શકાય.
આ ભાગીદારી રિલાયન્સ રિટેલની બ્યુટી અને પર્સનલ કેર સેગમેન્ટમાં તેની હાજરી વધારવાની વ્યાપક વ્યૂહરચનાને મજબૂત બનાવે છે. આ વ્યૂહરચનાનો આધાર ટીરા છે, જે ભારતનું સૌથી ઝડપથી વિકસતું ઓમ્નિચેનલ બ્યુટી ડેસ્ટિનેશન છે અને અકાઇન્ડ, ડ્રીમ, ઇમર્સ પ્લે અને નેઇલ્સ અવર વે જેવી ફર્સ્ટ બ્રાન્ડ્સનો વધતો જતો પોર્ટફોલિયો પણ ધરાવે છે.
ટીરાના સીઇઓ અને સહસ્થાપક ભક્તિ મોદીએ આ ભાગીદારી અંગે જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલમાં અમારી પ્રતિબદ્ધતા ભારતીય ગ્રાહકો સમક્ષ વિશ્વ-સ્તરીય બ્રાન્ડ્સ અને નવીન કોન્સેપ્ટ્સ તેમજ અનુભવો રજૂ કરવાની છે. ફેસજીમ બ્યુટી, વેલનેસ અને ફિટનેસના અનોખા સંગમ પર કાર્યરત છે – જે પોતાની રીતે એક નવી શ્રેણીનું નિર્માણ કરે છે. તે ભારતના સમજદાર બ્યુટી ગ્રાહકો સાથે સંપૂર્ણપણે સુસંગત છે, જેઓ અનુભવ-લક્ષી છે અને વિજ્ઞાન-આધારિત, નવીન કોન્સેપ્ટ્સ પ્રત્યે વધુને વધુ આકર્ષિત થઈ રહ્યા છે. અમે ફેસજીમને અમારા પોર્ટફોલિયોમાં અને ભારતમાં આવકારીએ છીએ અને આ ગતિશીલ બજારમાં તેની અપાર વૃદ્ધિની સંભાવનાઓને ખોલવા માટે ઉત્સાહિત છીએ.”
ફેસજીમના સીઇઓ એન્જેલો કેસ્ટેલોએ જણાવ્યું હતું કે, “આ બ્રાન્ડ માટે ખરેખર એક અતિ ઉત્સાહપૂર્ણ ક્ષણ છે. અમારી વર્તમાન વ્યૂહાત્મક ભાગીદારી સાથે, અમે ફેસજીમને એકમાત્ર એવી બ્યુટી સર્વિસિસમાંની એક બનાવવાની મજબૂત સ્થિતિમાં છીએ જે આટલા મોટા વૈશ્વિક સ્તરે હાજર હોય – નવા બજારોમાં પ્રવેશ કરીને અને ફેશિયલ ફિટનેસ તેમજ ત્વચા સ્વાસ્થ્ય પ્રત્યેના અમારા અનન્ય અભિગમ સાથે પહેલા કરતા પણ વધુ લોકોને સુંદર બનાવી શકીએ. રિલાયન્સ જેવા અગ્રણી સમૂહ સાથેની આ ભાગીદારી ગતિશીલ ભારતીય બજારમાં અમારી હાજરી સ્થાપિત કરીને અમારા વૈશ્વિક વિસ્તરણ માટે પ્રોત્સાહક તરીકે કામ કરશે.”
ફેસજીમ સાથેનો આ સહયોગ ભારતમાં બ્યુટી રિટેલ અને સેવાઓના ભવિષ્યને આકાર આપવામાં રિલાયન્સ રિટેલના નેતૃત્વને વધુ મજબૂત બનાવે છે. આ ભાગીદારી ફેસજીમના ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતાં બજારોમાં તેની હાજરી વધારવાના વૈશ્વિક વિઝનને પણ ટેકો આપે છે, જેમાં ભારતને તેની આંતરરાષ્ટ્રીય વિસ્તરણ યાત્રામાં એક મુખ્ય વ્યૂહાત્મક સ્થળ તરીકે ઓળખવામાં આવ્યું છે.