GLS યુનિવર્સિટીએ 9માં દીક્ષાંત સમારોહમાં 5000+ વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરી
અમદાવાદ GLS યુનિવર્સિટી દ્વારા 9માં દીક્ષાંત સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહ ખરેખર, શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી સમાન હતો, જેમાં 5000 થી વધુ વિદ્યાર્થીઓને UG, PG અને ડોક્ટરેટ સ્તરની ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. GLS કેમ્પસ, લો ગાર્ડન સામે, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે યોજાયેલા આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના જાણીતા ક્રિકેટર, સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમની સાથે GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટી, ગુજરાત લો સોસાયટીના પ્રમુખ પંકજ પટેલ અને GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયા સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સમાજમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ, બે અગ્રણી વ્યક્તિઓ, વિદેશ વિભાગના પ્રભારી વિજય ચૌથાઈવાલે અને પ્રખ્યાત ગુજરાતી અભિનેતા, દિગ્દર્શક અને લેખક સિદ્ધાર્થ રાંદેરિયાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ સમારોહમાં મુખ્ય અતિથિ સૂર્યકુમાર યાદવે શિસ્ત, સખત મહેનત અને શ્રેષ્ઠતાની શોધ પરના પોતાના વિચારોથી સ્નાતકોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “સફળતા મેળવવા માટે પ્રતિભા સાથે ધૈર્યવાન અને પ્રતિબદ્ધ હોવું પણ જરૂરી છે. તમે હવે એવી દુનિયામાં પગ મૂકી રહ્યા છો જ્યાં મેદાનની અંદર અને બહાર, બન્ને જગ્યાએ લીડરશીપની જરૂર હોય છે. તમારી વ્યાવસાયિક યાત્રામાં આગળ વધતાં તમારું સમર્પણ તમારી માટે માર્ગદર્શક બને તેવી શુભકામનાઓ આપું છું.” GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટીએ એક પ્રેરક ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે સ્નાતકોને સતત બદલાતી દુનિયામાં પરિવર્તનને અપનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “વાસ્તવિક દુનિયા તમારી એવી રીતે કસોટી કરશે, જેની તમે હજુ સુધી કલ્પના પણ નહીં કરી હોય, પરંતુ સતત શીખવાની અને આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરવાની ક્ષમતા તમારી સૌથી મોટી તાકાત હશે.” ગુજરાત લો સોસાયટીના પ્રમુખ પંકજ પટેલે સ્નાતકોને હૃદયપૂર્વક અભિનંદન આપતાં કહ્યું હતું કે, “તમે આ સંસ્થામાંથી ફક્ત જ્ઞાન સાથે જ નહીં, પરંતુ નવી જવાબદારી લઈને બહાર નીકળી રહ્યા છો. તમારી પહેલી નોકરી તમારી કારકિર્દી નથી અને તમારી પહેલી ભૂલ, એ તમારી ઓળખ નથી. ” GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાએ વિદ્યાર્થીઓની સફળતા પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ તમારો સમય છે, પણ આ તો ફક્ત શરૂઆત છે. જ્યારે તમે આ કેમ્પસની બહાર નીકળો, ત્યારે યાદ રાખજો કે, સમય હંમેશા તમારા નિયંત્રણમાં નથી હોતો, પરંતુ તૈયારી તમારા નિયંત્રણમાં હોય છે. ” GLS યુનિવર્સિટીએ વિજય ચૌથાઈવાલે અને સિદ્ધાર્થ રાંદેરિયાને રાષ્ટ્રનિર્માણ, કૂટનીતિ અને કલામાં તેમના અસાધારણ યોગદાનને બિરદાવતા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. વિજય ચૌથાઈવાલેને વિદેશ બાબતોમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે સિદ્ધાર્થ રાંદેરિયાને ગુજરાતી રંગભૂમિ અને સિનેમા પર તેમના પ્રભાવ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહ અનેક ગૌરવપૂર્ણ ક્ષણોથી ભરપૂર હતો. 40 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના અસાધારણ શૈક્ષણિક પ્રદર્શન માટે ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. 37 ડોક્ટરલ વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમણે કઠોર સંશોધન અને સમર્પણની એક ઉલ્લેખનીય શૈક્ષણિક સફર પૂર્ણ કરી હતી. આ ઉપરાંત, 40 વિદ્યાર્થીઓને લો(કાયદો), કમ્પ્યુટર એપ્લિકેશન્સ, આઇટી, કોમર્સ, મેનેજમેન્ટ અને ડિઝાઇન સહિત વિવિધ શાખાઓમાં ‘બેસ્ટ સ્ટુડન્ટ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
