ઈમિગ્રેશન ફ્રોડમાં કસૂરવાર એનઆરઆઈને કેનેડામાં 20 હજાર ડૉલરનો દંડ

Spread the love

સોઢીને કેનેડિયન ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી પ્રોટેક્શન એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવવામાં આવ્યો

ટોરેન્ટો

કેનેડામાં રહેતા ૪૧ વર્ષીય એનઆરઆઈને ઈમિગ્રેશન ફ્રોડમાં કસૂરવાર ઠેરવીને કોર્ટ દ્વારા ૨૦ હજાર કેનેડિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. અવતારસિંહ સોઢી નામનો આ વ્યક્તિ ૨૦૦૬થી કેનેડામાં પોતાના પરિવાર સાથે રહે છે. સીબીસી ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર, સોઢીને કેનેડિયન ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી પ્રોટેક્શન એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. તેના પર કેનેડા આવતા લોકોને મેનિટોબા પ્રોવિન્સમાં ડોક્યુમેન્ટ્સમાં ગોલમાલ કરીને વર્ક પરમિટ અપાવવાનો આરોપ હતો. સોઢીએ એલએમઆઈએ લેટર પર એક ભારતીય મહિલાને કેનેડા બોલાવી હતી, તેણે ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં એવું જણાવ્યું હતું કે આ મહિલા તેના ઘરે આયા તરીકે કામ કરે છે, પરંતુ તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે ખરેખર તો આ મહિલા સોઢીના ઘરે કામ કરતી જ નહોતી. તેને માત્ર કેનેડા બોલાવવા માટે સોઢીએ એલએમઆઈએ લેટરનો ઉપયોગ કર્યો હતો. એલએમઆઈએ લેટર વિદેશી વર્કરને કેનેડા બોલાવવા માટે ઈશ્યૂ કરાય છે, જે જોબ માટે કેનેડામાં એમ્પ્લોયરને માણસ ના મળતા હોય તે એલએમઆઈએ લેટર દ્વારા વિદેશથી કોઈ વ્યક્તિને પોતાને ત્યાં કામ કરવા બોલાવી શકે છે. જોકે, સોઢીએ તેનો દુરુપયોગ ભારતીય મહિલાને કેનેડા બોાલવવા માટે કર્યો હતો.

અવતારસિંહ સોઢીએ ભારતથી આવેલી મહિલા પોતાને ત્યાં કામ કરે છે તેવું ઓન પેપર બતાવવા માટે તેના અકાઉન્ટમાં સેલેરી પણ જમા કરાવી હતી, પરંતુ હકીકત એ હતી કે આ મહિલા સોઢીને ત્યાં આયા તરીકે કામ કરવાને બદલે બીજી કોઈ જગ્યાએ ઈલીગલી જોબ કરતી હતી. એટલું જ નહીં, અમુક સમય બાદ આ મહિલાને કેનેડાના પીઆર અપાવવા માટે સોઢીએ કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ આપ્યા હતા. આ ગુનામાં સોઢી કસૂરવાર સાબિત થતાં તેને ઈમિગ્રેશન વિભાગે ૨૦ હજાર ડોલરનો દંડ કર્યો હતો, જે ભરવાની આરોપીએ તૈયારી બતાવતા કોર્ટે પણ તેના પર સહમતિ વ્યક્ત કરી હતી. કેનેડિયન ઈમિગ્રેશન લૉ અનુસાર, આ પ્રકારના ગુનામાં કસૂરવાર ઠરનારા વ્યક્તિને ૫૦ હજાર ડોલર સુધીનો દંડ તેમજ બે વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે, સોઢીએ પોતાનો ગુનો કબૂલી લઈ દંડ ભરવાની તૈયારી બતાવતા તેને ૨૦ હજાર કેનેડિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

કેનેડામાં એલએમઆઈએ લેટરનો દુરુપયોગ કરીને ત્યાં સેટલ થઈ ગયેલા તેમજ સિટીઝન બની ગયેલા ઘણા ભારતીયો મોટી કમાણી પણ કરે છે. ભારતીય એમ્પલોયર્સ એલએમઆઈએ લેટર ઈશ્યૂ કરીને જે લોકોને ઈન્ડિયાથી કેનેડા બોલાવે છે તેમની પાસેથી ૧૫થી ૨૦ લાખ રૂપિયા જેટલી રકમ પડાવે છે. આવા લોકો જો બીજે કામ કરે તો પણ તેમના અકાઉન્ટમાં તેમને એલએમઆઈએ લેટર ઈશ્યૂ કરનારા લોકો સેલેરીના નામે અમુક રકમ જમા કરાવે છે, અને પછી અમુક ચાર્જ સાથે તે રકમ કેશમાં તે વ્યક્તિ પાસેથી લઈ લે છે. એટલું જ નહીં, એલએમઆઈએ લેટરના આધારે કેનેડાના વર્ક વિઝા મેળવતા લોકોને ત્યાં જઈને શોષણના ભોગ પણ બનવું પડે છે. લેટર પર તો એમ્પલોયરે અઠવાડિયાના પાંચ દિવસ અને કુલ ૪૦ કલાકની જોબ છે તેવું લખેલું હોય છે, પરંતુ કેનેડા ગયા બાદ આવા લોકોને દિવસની ૧૦થી ૧૨ કલાક જોબ કરવી પડે છે અને તેમને કોઈ રજા પણ નથી મળતી. કેનેડામાં ભણતા સ્ટૂડન્ટ્સને પણ એજ્યુકેશન પૂરૂં થયા બાદ આગળ જતાં જો પીઆર લઈ સિટીઝન બનવું હોય તો તેમને કેનેડામાં કામ કરવાનો અનુભવ બતાવવો પડે છે. જોકે, એક્સપિરિયન્સ લેટર માટે પણ ઘણા લોકો તગડો ચાર્જ વસૂલ કરે છે. કેટલાક ગુજરાતી સ્ટૂડન્ટ્સનું માનીએ તો ભણ્યા બાદ મળતી વર્ક પરમિટ પર કામ કર્યા પછી તેમને પીઆરની ફાઈલ મૂકવાની આવે ત્યારે તેમાં એક્સપિરિયન્સ બતાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ જરૂરી હોય છે તેના માટે તેમને હજારો કેનેડિયન ડોલર ચૂકવવા પડે છે. અગાઉ તો માત્ર ભારતીય માલિકો જ એક્સપિરિયન્સ લેટર આપવા માટે મોટી રકમ પડાવતા હતા, પરંતુ હવે તો ભારતીયોનું જોઈને કેનેડિયન એમ્પલોયર પણ આ ખેલ શીખી ગયા છે. જોકે, સ્ટૂડન્ટ્સને પીઆર મેળવવા તેમની ગરજ હોવાથી કોઈ આ અંગે ફરિયાદ કરવા આગળ નથી આવતું. ખાસ કરીને જે સ્ટૂડન્ટ્સનું બેકગ્રાઉન્ડ આર્ટ્સ કે કોમર્સનું હોય તે લોકોને એલએમઆઈએ કે પછી એક્સપિરિયન્સ લેટર માટે ખિસ્સા હળવા કરવા પડે છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *