આદેશનું પાલન ન કરતા અધિકારીને પુતીન ફાંસીની સજા આપી રહ્યા છે

Spread the love

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં આયોજિત પ્રેસ બ્રીફિંગમાં રશિયા પર આ આરોપો લગાવ્યા

વોશિંગ્ટન

રશિયા-યુક્રેનના ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ રશિયા પર નવા આરોપો લગાવ્યા છે. અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના જે સૈનિકો તેમના ઉપરી અધિકારીઓના આદેશનું પાલન નથી કરી રહ્યા અથવા તેમના આદેશનું પાલન કરવાથી પીછેહઠ કરી રહ્યા છે, તે તમામને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશથી ફાંસીની સજા આપવામાં આવી રહી છે. અમેરિકાનો રશિયા પર આ નવો આરોપ છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં આયોજિત પ્રેસ બ્રીફિંગમાં રશિયા પર આ આરોપો લગાવ્યા હતા.
જોન કિર્બીએ એક ન્યુઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમારી પાસે નક્કર માહિતી છે કે રશિયન સૈન્ય હકીકતમાં એવા સૈનિકોને ફાંસીની સજા આપી રહ્યું છે, જેઓ યુક્રેન સાથે યુદ્ધ અંગે જારી કરવામાં આવેલા આદેશનું પાલન નથી કરી રહ્યા. રશિયન કમાન્ડર યુક્રેનિયન આર્ટિલરી ફાયરિંગ વખતે પીછેહઠ કરવાનો પ્રયાસ કરનાર સમગ્ર યુનિટને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. તેમણે આ ફાંસીઓને નિંદનીય અને અસંસ્કારી ગણાવી હતી અને જણાવ્યું હતું કે રશિયાને તેના સૈનિકોના જીવન પ્રત્યે કોઈ સન્માન નથી. જોકે, વ્હાઇટ હાઉસના આ અધિકારીએ એ નથી જણાવ્યું કે તેમને કથિત ફાંસી અંગેની આ માહિતી ક્યાંથી મળી.
કિર્બીએ કહ્યું કે રશિયાનો તાજેતરનો હુમલો એ યાદ અપાવે છે કે કેવી રીતે રાષ્ટ્રપતિ પુતિન આખા યુક્રેન પર કબજો કરવાની તેમની આકાંક્ષાઓને અનુસરી રહ્યા છે. એવું લાગે છે કે રશિયા માનવ વેવ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યું છે. આ અંતર્ગત તે માત્ર નબળા પ્રશિક્ષિત સૈનિકોને જ યુદ્ધમાં મોકલી રહ્યું છે. રશિયન સૈનિકોનું મનોબળ પણ તૂટીગયું છે.
નોંધનીય છે કે રશિયા અને યુક્રેન બંને દેશ આ યુદ્ધમાં થયેલા મૃત્યુનો ચોક્કસ આંકડો જાહેર કરતા નથી, તેથી કેટલા લોકો મૃત્યુ પામ્યા એનો સાચો આંકડો જાણવો મુશ્કેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *