રિલાયન્સ કપ 2026: અરાવલી, સુરેન્દ્રનગર અને ભરૂચની ટીમો નોકઆઉટમાં

Spread the love

સુરેન્દ્રનગરે સુરતને 3-0થી હરાવ્યું, અરાવલીએ મહેસાણાને 2-1થી માત આપી

ગાંધીનગર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વોલિફાયર રાઉન્ડમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. ગાંધીનગર ખાતે 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલી સ્પર્ધામાં આજે સુરેન્દ્રનગર અને અરાવલીની ટીમોએ મહત્વની જીત નોંધાવી નોકઆઉટ તબક્કામાં પ્રવેશ મેળવ્યો હતો.

ભારે વરસાદ વચ્ચે અમદાવાદમાં મેચો યોજાઈ

ગાંધીનગરમાં આજે સવારથી ભારે વરસાદ પડવાને કારણે મેચોના આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તમામ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હોવાથી અને ટુર્નામેન્ટના મુકાબલાઓ નિર્ધારિત સમયપત્રક મુજબ પૂર્ણ કરવા જરૂરી હોવાથી આજની મેચો અમદાવાદના સેવી સ્વરાજ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ખસેડવામાં આવી હતી. સ્થળ પરિવર્તન છતાં ખેલાડીઓએ મેદાન પર ઉતરીને સ્પર્ધાત્મક રમતનું પ્રદર્શન કર્યું હતું.

સુરેન્દ્રનગરની શાનદાર 3-0થી જીત

આજના એક મહત્વપૂર્ણ ક્વોલિફાયર મુકાબલામાં સુરેન્દ્રનગરની ટીમે સુરતને 3-0થી હરાવી નોકઆઉટ તબક્કામાં સ્થાન મેળવ્યું હતું. સુરેન્દ્રનગર તરફથી આદિત્ય, કર્મરાજસિંહ અને જીતે એક-એક ગોલ નોંધાવી ટીમને નિર્ણાયક જીત અપાવી હતી. શરૂઆતથી જ આક્રમક રમત સાથે મેદાનમાં ઉતરેલી સુરેન્દ્રનગરની ટીમે સુરત સામે સમગ્ર મેચ દરમિયાન અસરકારક પ્રદર્શન કર્યું હતું.

અરાવલીએ મહેસાણાને 2-1થી હરાવ્યું

અરાવલી અને મહેસાણા વચ્ચેનો મુકાબલો અત્યંત સંઘર્ષપૂર્ણ રહ્યો હતો. બંને ટીમો માટે નોકઆઉટમાં પ્રવેશ મેળવવા માટે આ મેચ મહત્વપૂર્ણ હોવાથી શરૂઆતથી જ બંને તરફથી આક્રમક રમત જોવા મળી હતી.

મેચની 10મી મિનિટે અરાવલીના ફનત ધર્મીકુમારે ગોલ કરીને પોતાની ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. જોકે, મહેસાણાએ ઝડપી વળતો પ્રહાર કરતાં 14મી મિનિટે સૂરજ રાઠોડે ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો.

ત્યારબાદ બંને ટીમોએ ગોલ માટે સતત પ્રયાસો કર્યા હતા. મેચનો નિર્ણાયક ક્ષણ 83મી મિનિટે આવ્યો હતો. અરાવલીના પરમ માનસતાએ પેનલ્ટી એરિયાની બહારથી જોરદાર કિક ફટકારીને ગોલ નોંધાવ્યો હતો. આ ગોલ સાથે અરાવલીએ 2-1ની લીડ મેળવી હતી અને અંત સુધી આ સરસાઈ જાળવી રાખીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ મેળવ્યો હતો.

આવતીકાલે ત્રણ મુકાબલા

ટુર્નામેન્ટના ક્વોલિફાયર રાઉન્ડમાં આવતીકાલે વલસાડ અને ભાવનગર, કચ્છ અને નવસારી તથા ગીર સોમનાથ-દેવભૂમિ દ્વારકા અને સાબરકાંઠા વચ્ચે મુકાબલા રમાશે. આ મેચોના પરિણામો પણ નોકઆઉટ તબક્કાની ટીમોની રચનામાં મહત્વપૂર્ણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *