ગુજરાતને ટેબલ ટેનિસનું હબ બનાવવું એ અમારું મુખ્ય લક્ષ્યાંક છેઃ પ્રમોદ ચૌધરી

Spread the love

ભારતીય પુરુષ ટીમના 5 ખેલાડીઓમાંથી 3 ગુજરાતી હોવું રાજ્યમાં રમતના વિકાસનું પરિણામઃ જીએસટીટીએ પ્રમુખ પ્રમોદ ચૌધરી

ગાંધીધામ

ગુજરાત ટેબલ ટેનિસ ક્ષેત્રે દેશના મહત્વના કેન્દ્ર તરીકે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે. એશિયન ગેમ્સ માટેની ભારતીય પુરુષ ટીમના 5 ખેલાડીઓમાંથી 3 ગુજરાતી હોવાની સિદ્ધિ અંગે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના પ્રમુખ પ્રમોદ ચૌધરી અને સેક્રેટરી હરી પિલ્લઈએ રાજ્યમાં પાયાના સ્તરે થઈ રહેલા વિકાસ, સ્પર્ધાઓના વધતા અવસર, સરકારના સહયોગ અને નવી પેઢીના ખેલાડીઓ માટેની તાલીમ વ્યવસ્થા અંગે વાત કરી હતી.

ત્રણ ગુજરાતી ખેલાડીઓની પસંદગી ગૌરવની વાત

સવાલઃ ભારતીય પુરુષ ટીમના 5 ખેલાડીઓમાંથી 3 ગુજરાતી છે, આ સિદ્ધિને કેવી રીતે જુઓ છો?

પ્રમોદ ચૌધરીઃ ભારતીય ટીમમાં 5માંથી 3 ખેલાડીઓ ગુજરાતના હોવું GSTTA અને સમગ્ર ટેબલ ટેનિસ જગત માટે ગૌરવની વાત છે. તે રાજ્યમાં રમતના વિકાસ અને સતત સારા ખેલાડીઓ તૈયાર થવાનું દર્શાવે છે.

માનવ-માનુષની વર્લ્ડ નંબર-2 જોડી મોટી સિદ્ધિ

સવાલઃ માનવ અને માનુષ પુરુષ ડબલ્સમાં વર્લ્ડ નંબર-2 જોડી બન્યા છે, તેને કેવી રીતે જુઓ છો?

જવાબઃ આ ગુજરાત ટેબલ ટેનિસ માટે મોટી સિદ્ધિ છે. બંનેની સિંગલ્સ રેન્કિંગમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે. ખેલાડીઓને સતત પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેમની પ્રગતિ દર્શાવે છે કે અમારી સિસ્ટમમાંથી તૈયાર થયેલા ખેલાડીઓ ઉચ્ચ સ્તરે પ્રદર્શન કરવા સક્ષમ છે.

તાપ્તિ વેલી એકેડમીમાં 32 ખેલાડીઓને નિઃશુલ્ક તાલીમ

સવાલઃ ગુજરાતમાં ટેબલ ટેનિસના વિકાસ માટે શું કામ થયું છે?

જવાબઃ સરકારની વિવિધ યોજનાઓ, એવોર્ડ અને ટ્રેનિંગ સપોર્ટથી ખેલાડીઓને પ્રોત્સાહન મળ્યું છે. સુરતની તાપ્તિ વેલી ટેબલ ટેનિસ એકેડમી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હાલમાં ગુજરાતના 32 ખેલાડીઓ અહીં તાલીમ લઈ રહ્યા છે. તાપ્તિ વેલી નિઃશુલ્ક શિક્ષણ આપે છે, જ્યારે સરકાર કોચિંગ, સાધનો અને અન્ય સુવિધાઓમાં સહયોગ આપે છે. હાલ ચાઈનીઝ કોચ છે, જ્યારે અગાઉ ફ્રાન્સથી બે કોચ લાવવામાં આવ્યા હતા. રહેવા, ભોજન, શિક્ષણ, કોચિંગ અને ટ્રેનિંગની સુવિધા નિઃશુલ્ક છે.

ટાયર-2 શહેરોમાં સ્પર્ધાઓ યોજવાનો પ્રયાસ

સવાલઃ GSTTA અન્ય એસોસિએશનથી કેવી રીતે અલગ પડે છે?

જવાબઃ ઈન્ટર-ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ રેન્કિંગ અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ દ્વારા ખેલાડીઓને સતત મેચ અનુભવ આપવામાં આવે છે. આર્થિક રીતે નબળા જિલ્લા એસોસિએશનોને પણ સ્ટેટ એસોસિએશન સહયોગ આપે છે. જામનગર, આણંદ અને અરવલ્લી જેવા નાના કેન્દ્રોમાં સ્પર્ધાઓ યોજવાનો હેતુ રમતનો વિકાસ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવાનો છે.

અંડર-7થી ઓલિમ્પિક માટે પાયો તૈયાર કરવાનો પ્રયાસ

સવાલઃ 2036 ઓલિમ્પિક માટે શું તૈયારીઓ છે?

જવાબઃ ગુજરાતને 2036ના ઓલિમ્પિકના યજમાન તરીકે જોવાની સાથે ગુજરાતી ખેલાડીઓને ભારતીય ટીમમાં જોવાનું લક્ષ્ય છે. આ માટે અંડર-9 બાદ હવે અંડર-7 કેટેગરી શરૂ કરવામાં આવી છે. બાળકોને 5-6 વર્ષની વયથી રમત સાથે જોડીને 7-8 વર્ષની ઉંમરે સ્પર્ધાત્મક માહોલ આપવાનો પ્રયાસ છે.

ગુજરાતને ભારતીય ટેબલ ટેનિસનું હબ બનાવવાનું સપનું

સવાલઃ GSTTA પ્રમુખ તરીકે સૌથી મોટું સપનું શું છે?

પ્રમોદ ચૌધરીઃ અમે ગુજરાતને ભારતીય ટેબલ ટેનિસનું હબ બનાવવા માગીએ છીએ. એવી ઈકોસિસ્ટમ ઊભી કરવી છે જ્યાં ખેલાડીઓને નાની ઉંમરથી શ્રેષ્ઠ કોચિંગ, સતત સ્પર્ધા અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક મળે. પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ્સ અને WTT ઈવેન્ટ્સનું આયોજન પણ શરૂ થયું છે. રમત-ગમત સચિવ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીનો સહયોગ મળી રહ્યો છે.

2030 કોમનવેલ્થ માટે ખેલાડીઓને તૈયાર કરવાનો પ્રયાસ

પ્રમોદ ચૌધરીએ જણાવ્યું કે તેમણે રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી સાથે 2030 કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસના સમાવેશ અંગે વાત કરી છે અને મંત્રી તરફથી ખાતરી મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. GSTTAનો પ્રયાસ ખેલાડીઓને વહેલી તકે તૈયાર કરવાનો છે.

ખેલાડીઓના વિકાસ પાછળ 10 લાખથી વધુનો ખર્ચ

હરી પિલ્લઈઃ ખેલાડીઓનું કલ્યાણ GSTTAની પ્રાથમિકતા છે. કોચિંગ, કેમ્પ્સ, ટુર્નામેન્ટ્સ, એવોર્ડ અને ઈન્સેન્ટિવ પાછળ દર વર્ષે આશરે 10 લાખ રૂપિયા કે તેથી વધુ ખર્ચ થતો હોવાનું મારું અનુમાન છે. 2021થી પ્રદર્શનના આધારે રોકડ પુરસ્કારની પહેલ શરૂ કરાઈ છે. ટુર્નામેન્ટ દરમિયાન નિઃશુલ્ક ભોજન, રિફ્રેશમેન્ટ અને જ્યૂસની સુવિધા પણ આપવામાં આવે છે.

સરકાર અને SAGનો સતત સહયોગ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા સ્ટેટ રેન્કિંગ સહિતની અનેક ટુર્નામેન્ટ માટે નિઃશુલ્ક સ્ટેડિયમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. SAGના નિયમો મુજબ સીધી નાણાકીય મદદ પણ મળે છે. સ્ટેટ, નેશનલ તેમજ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સના આયોજન અને સમગ્ર ગુજરાતમાં ટેબલ ટેનિસના પ્રચારમાં સરકારનો સહયોગ મહત્વપૂર્ણ હોવાનું GSTTAએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *