ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનારા ‘દિગ્ગજ’ પીયૂષભાઈ દેસાઈ

Spread the love

‘વાઘ બકરી’ ટી ગ્રુપના ચેરમેન પીયૂષભાઈ દેસાઈનું 15 સપ્ટેમ્બરે અવસાન, છ દાયકાથી વધુનો ચા ઉદ્યોગનો અનુભવ અને અનેક સંસ્થાઓના ઘડતરમાં મહત્વનું યોગદાન

અમદાવાદ:

ભારતીય ચા ઉદ્યોગના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ તથા ‘વાઘ બકરી’ ટી ગ્રુપના ચેરમેન પીયૂષભાઈ દેસાઈનું 15 સપ્ટેમ્બર 2026ના રોજ નિધન થયું છે. છ દાયકાથી વધુ સમય સુધી ચા ઉદ્યોગ સાથે જોડાયેલા પીયૂષભાઈ દેસાઈ ચાની અદભૂત પરખ, બહોળા અનુભવ અને સિદ્ધાંતો આધારિત વ્યવસાયિક દૃષ્ટિ માટે જાણીતા હતા. તેમના નિધનથી ભારતીય ચા ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવ્યો છે.

‘વાઘ બકરી’ને ગુજરાત બહાર ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા

કુશળ ટી ટેસ્ટર અને અનુભવી ઉદ્યોગપતિ તરીકે પીયૂષભાઈ દેસાઈએ ‘વાઘ બકરી’ ટી ગ્રુપને ગુજરાતની બહાર વિસ્તારી દેશના વિવિધ પ્રદેશોમાં તેની મજબૂત ઓળખ ઊભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના માટે વ્યવસાય માત્ર વિસ્તરણ કે આર્થિક સફળતા સુધી સીમિત નહોતો. ગુણવત્તા, પ્રામાણિકતા, લાંબા ગાળાના સંબંધો અને સૌને સાથે લઈને આગળ વધવાની વિચારધારા તેમની કાર્યશૈલીના કેન્દ્રમાં રહી હતી.

સમગ્ર ચા ઉદ્યોગના વિકાસની દૃષ્ટિ

પીયૂષભાઈ દેસાઈ માનતા હતા કે વ્યવસાયની સમાજ અને તેના તમામ હિતધારકો પ્રત્યે જવાબદારી હોય છે. તેમની દૃષ્ટિ માત્ર કંપનીના વિકાસ સુધી સીમિત ન રહી, પરંતુ સમગ્ર ચા ઉદ્યોગના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત હતી. ચાના ઉત્પાદકો, ખેડૂતો, કામદારો, વેપારીઓ, કર્મચારીઓ અને ગ્રાહકો સૌ સાથે મળીને પ્રગતિ કરે અને તેનો લાભ મેળવી શકે, તે વિચારધારા તેમના કાર્યમાં જોવા મળતી હતી.

ચા વેપારીઓને સંગઠિત કરવામાં યોગદાન

ચા ઉદ્યોગને સંગઠિત અને મજબૂત બનાવવામાં પણ પીયૂષભાઈ દેસાઈનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. તેઓ ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન (GTTA), વેસ્ટર્ન ઇન્ડિયા ટી ડીલર્સ એસોસિએશન (WITDA) અને ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન્સ (FAITTA)ના સ્થાપક સભ્યોમાંના એક હતા. GTTAના પ્રથમ પ્રમુખ તરીકે તેમણે ચાના વેપારીઓને એક મંચ પર લાવવા તથા ઉદ્યોગના હિતોને આગળ વધારવા સક્રિય ભૂમિકા ભજવી હતી.

આ જ વર્ષે મળ્યો ‘લાઇફટાઇમ અચીવમેન્ટ’ એવોર્ડ

ભારતીય ચા ઉદ્યોગમાં દાયકાઓ સુધી આપેલા યોગદાન અને ચાની તેમની ઊંડી સમજને માન આપતાં નોર્થ ઈસ્ટર્ન ટી એસોસિએશન (NETA) દ્વારા આ જ વર્ષે પીયૂષભાઈ દેસાઈને ‘લાઇફટાઇમ અચીવમેન્ટ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન ચા ઉદ્યોગમાં તેમના લાંબા અને નોંધપાત્ર યોગદાનની ઓળખ સમાન હતું.

ગાંધીવાદી વિચારધારા અને સમાજસેવા સાથે જોડાણ

વ્યવસાયની સાથે સમાજસેવા પણ પીયૂષભાઈ દેસાઈના જીવનનો મહત્વનો હિસ્સો રહી. ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત તેઓ ગુજરાત વિદ્યાપીઠ સાથે નજીકથી જોડાયેલા હતા અને તેની વિવિધ પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું હતું. તે સમયગાળા દરમિયાન મહાત્મા ગાંધીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારણભાઈ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હતા.

બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન અને સદવિચાર પરિવાર સાથે જોડાણ

પીયૂષભાઈ દેસાઈએ લગભગ બે વર્ષ સુધી બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (ઇન્ડિયા)ના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેઓ સદવિચાર પરિવારના ટ્રસ્ટી પણ રહ્યા હતા અને સંસ્થાની વિવિધ સામાજિક પહેલો તથા પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાતા હતા. શિક્ષણ, સમાજકલ્યાણ, સેવા અને સામાજિક જવાબદારી તેમના માટે માત્ર વિચારો નહોતા, પરંતુ જીવનભરની પ્રતિબદ્ધતા હતી.

નવી પેઢીને સોંપ્યા વ્યવસાયના મૂલ્યો

પીયૂષભાઈ દેસાઈ અનેક દાયકાઓ સુધી ‘વાઘ બકરી’ ચાના વ્યવસાયમાં સક્રિય રહ્યા અને 2020 સુધી ગ્રુપના કામકાજ સાથે જોડાયેલા હતા. ત્યારબાદ તેમણે માર્ગદર્શકની ભૂમિકા ભજવી અને પોતાના વર્ષોના અનુભવ તથા વ્યવસાયિક વિચારધારા નવી પેઢીને સોંપી. તેમના મજબૂત પાયા પર આગળ વધતાં ‘વાઘ બકરી’ ટી ગ્રુપે નોંધપાત્ર વિકાસ કર્યો છે અને આજે તે ભારત ઉપરાંત વિશ્વના 66થી વધુ દેશોમાં ચાપ્રેમીઓ સુધી પહોંચ્યું છે.

મૂલ્યોના વારસાથી હંમેશાં યાદ રહેશે

ચા જગત પીયૂષભાઈ દેસાઈને અદભૂત પારખુ, દૂરંદેશી ઉદ્યોગપતિ અને સંસ્થાઓને ઘડનાર વ્યક્તિત્વ તરીકે યાદ રાખશે. તેમનું નિધન એક યુગના અંત સમાન છે. જોકે તેમણે ઘડેલો વ્યવસાય, મજબૂત કરેલી સંસ્થાઓ અને ગુણવત્તા, પ્રામાણિકતા તથા સૌને સાથે લઈને આગળ વધવાના મૂલ્યોમાં તેમની છાપ હંમેશાં જીવંત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *