ભાજપના ટોચના નેતૃત્વને આ માહિતી મળી તો દોડધામ મચી અને તાબડતોબ કાર્યવાહી કરતાં આ લોકોને બળજબરીપૂર્વક પાછા બોલાવાયા

જયપુર
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં બહુમતી સાથે ભાજપે જીત તો મેળવી લીધી પણ હજુ સુધી સીએમ કોને બનાવવા તે અંગે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે રાજસ્થાનથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા. અહીં ટોચના નેતૃત્વએ સીએમના ચહેરા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી. જેના પરિણામે ધારાસભ્યોની વાડાબંધીની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
માહિતી અનુસાર મંગળવાર રાતે ભાજપના 5થી વધુ ધારાસભ્યો એક કોંગ્રેસ નેતાની હોટેલમાં પહોંચી ગયા હતા. જ્યારે ભાજપના ટોચના નેતૃત્વને આ માહિતી મળી તો દોડધામ મચી ગઈ હતી અને તાબડતોબ કાર્યવાહી કરતાં આ લોકોને બળજબરીપૂર્વક પાછા બોલાવાયા હતા. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે આ ઘટના સમયે મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો.
રાજસ્થાનમાં ભાજપને બહુમત મળવા છતાં હજુ કોઈ સીએમ ફેસ નક્કી થયો નથી. વસુંધરા રાજે હાલ દિલ્હી પહોંચ્યા છે. જેને લઈને તેમના નામની ચર્ચાએ વેગ પકડ્યો છે. બીજી બાજુ બાબા બાલકનાથનું નામ પણ ભારે ચર્ચામાં છે.
