આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ગુજરાતમાં ભવ્ય ઉજવણી, 38 ચેસ પ્રતિભાઓનું સન્માન

Spread the love

GSCA દ્વારા અમદાવાદના એક મોલ ખાતે કાર્યક્રમનું આયોજન; ગ્રાન્ડમાસ્ટર તેજસ બાકરે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યુવા ખેલાડીઓને પ્રોત્સાહન

અમદાવાદ
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ-2026ની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન (GSCA) દ્વારા અમદાવાદના એક મોલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે છેલ્લા બે વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરનારા ગુજરાતના 38 ચેસ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ચેસની વધતી લોકપ્રિયતા, યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન અને ગુજરાતમાં ચેસના વિકાસ માટેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.

38 ચેસ સિદ્ધિઓને મળ્યું સન્માન

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા કુલ 38 પ્રતિષ્ઠિત ચેસ સિદ્ધિઓને માન્યતા આપવામાં આવી હતી. તેમાં આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનારા ખેલાડીઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં વિજેતા બનેલા ચેસ ખેલાડીઓ, મેડલ વિજેતાઓ, આંતરરાષ્ટ્રીય નોર્મ્સ પ્રાપ્ત કરનારા ખેલાડીઓ તેમજ અન્ય નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનારી પ્રતિભાઓનો સમાવેશ થયો હતો.

મહાનુભાવોની હાજરી

કાર્યક્રમમાં ગુજરાતના પ્રથમ ગ્રાન્ડમાસ્ટર અને FIDE સિનિયર ટ્રેનર ગ્રાન્ડમાસ્ટર તેજસ બાકરે, શિલ્પા નાયર, ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના ભાવેશ પટેલ અને મયુર પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિજેતાઓનું સન્માન કર્યું હતું.

ઓપન ચેસ ટુર્નામેન્ટ આકર્ષણનું કેન્દ્ર

આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે મોલ ખાતે ઓપન ચેસ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેસ ખેલાડીઓ ઉપરાંત મોલમાં આવેલા મુલાકાતીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા ચેસને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો અને નવી પેઢીમાં રમત પ્રત્યે રસ વધારવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

યુવા ખેલાડીઓને તેજસ બાકરેનો સંદેશ

આ પ્રસંગે ગ્રાન્ડમાસ્ટર તેજસ બાકરેએ તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે ગુજરાત સતત એવી પ્રતિભાઓ તૈયાર કરી રહ્યું છે, જે રાજ્ય અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય મંચ પર રોશન કરી શકે છે. તેમણે યુવા ખેલાડીઓને રમત પ્રત્યે સમર્પિત રહી વધુ મહેનત કરીને વિશ્વસ્તરે સફળતા મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *