13% સાથે ચીનના નાગરિકો આ યાદીમાં બીજા ક્રમે

લંડન
વિદેશ જવાનો ભારતીયોમાં ક્રેઝ હજુ પણ યથાવત્ છે. બ્રિટન દ્વારા જારી કરાતાં તમામ વિઝામાં ભારતીયોને અપાયેલા વિઝાની સંખ્યા લગભગ એક તૃતીયાંશ જેટલી છે. આ સાથે જ બ્રિટનના સૌથી વધુ વિઝા મેળવનારા લોકોમાં ભારતીયો ટોચે પહોંચી ગયા છે. જ્યારે 13% સાથે ચીનના નાગરિકો આ યાદીમાં બીજા ક્રમે છે.
બ્રિટનના વિઝાની માગને જોતાં વીએફએસ ગ્લોબલનું કહેવું છે કે તે ફક્ત બ્રિટન માટે પ્રયાગરાજ, ભુવનેશ્વર, કાલીકટ, દહેરાદૂન, ઈન્દોર અને થાણે જેવા અનેક ટુ ટિયર શહેરોમાં અસ્થાયી કેન્દ્રો શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. દુનિયાભરના યાત્રીઓ માટે એક લોકપ્રિય ડેસ્ટિનેશન બ્રિટને 2023માં 18 લાખથી વધુ વિઝિટર વિઝા ઈશ્યૂ કર્યા હતા. બ્રિટન સરકારના આંકડા અનુસાર 2022ની તુલનાએ આ સંખ્યા લગભગ બમણી (96% વધુ) છે.
જૂન 2023 માં સમાપ્ત થનારા વર્ષમાં ભારતીય નાગરિકો માટે ઈશ્યૂ કરાયેલા વિઝિટર વિઝાનું પ્રમાણ સૌથી વધુ (30%) હતું. તેના પછી ચીનના નાગરિકો (13%), નાઈજિરિયાના નાગરિકો (6%) અને તૂર્કીના નાગરિકો (6%) ને વિઝા ઈશ્યૂ કરાયા હતા. વીએફએસ ગ્લોબલ સેન્ટર નવા અરજદારોને મહાનગરોની યાત્રા કરવા અને વધારે પડતી અરજી ફી ચૂકવણી કરતા બચાવશે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી બાદ ભારતીયો માટે વિઝા પ્રોસેસ કરવામાં ઝડપ દાખવનારા દેશોમાં બ્રિટન અને કેનેડા સામેલ છે. 6 મહિનાના વિઝા માટે એક વિઝિટર વિઝાનો ખર્ચ 12,615 રૂપિયા છે. જ્યારે બે વર્ષની કાયદેસરતા માટે 43,879 રૂપિયા ખર્ચ થાય છે.
