હુમલાની જવાબદારી તહરિક એ જિહાદ પાકિસ્તાન નામના આતંકી સંગઠને લીધી
કરાંચી
દૂધ પાઈને ઉછેરેલો આતંકવાદ નામનો સાપ હવે પાકિસ્તાનને જ ડંખ મારી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આતંકવાદીઓએ પોલીસ મથક અને સૈન્ય ઠેકાણે આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં અત્યાર સુધીમાં કુલ 24 જેટલાં પોલીસકર્મી અને સુરક્ષાકર્મીઓ મૃત્યુ પામી ચૂક્યા છે. અગાઉ એવા અહેવાલ હતા કે આ આતંકી હુમલામાં 3 સુરક્ષા જવાનોના મોત થયા છે.
આ હુમલાની જવાબદારી તહરિક એ જિહાદ પાકિસ્તાન નામના આતંકી સંગઠને લીધી છે. ગત નવેમ્બર મહિનામાં પણ પાકિસ્તાનના મિંયાવાલી એરબેઝ પર આત્મઘાતી હુમલો થયો હતો અને નવ આતંકીઓ પાકિસ્તાની એરફોર્સના આ બેઝની સુરક્ષા વ્યવસ્થાને તોડીને અંદર ઘુસી ગયા હતા. બંને તરફથી ભારે ફાયરિંગ થયુ હતુ અને આખરે નવ આતંકીઓને ઢાળી દેવાયા હતા. આ હુમલાની જવાબદારી તહેરીક એ જિહાદ પાકિસ્તાન સંગઠને જ લીધી હતી અને હવે આ સંગઠને પોલીસ મથકને નિશાન બનાવ્યુ છે. હવે આતંકીઓએ પોલીસ મથકને નિશાન બનાવ્યુ છે. પોલીસ મથકમાં થયેલા આત્મઘાતી હુમલા બાદ આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. પોલીસ અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ પણ થયુ હતુ અને તેમાં સુરક્ષા દળોના ત્રણ જવાનોએ જીવ ગુમાવ્યો હતો.
માહિતી અનુસાર મૃતકોમાં સામેલ મોટાભાગના લોકો હુમલાના સમયે ઊંઘી રહ્યા હતા. આ બધા લોકો સામાન્ય કપડામાં હતા અને સૈન્યનું યુનિફોર્મ નહોતું પહેર્યું. એવામાં એમ કહેવું મુશ્કેલ છે કે હુમલામાં કેટલા સૈનિકો માર્યા ગયા છે અને સામાન્ય નાગરિકોની જાનહાનિ કેટલી થઈ છે? હજુ મૃત્યુઆંક વધી શકે છે. આત્મઘાતી હુમલાખોર વિસ્ફોટકથી ભરેલી ગાડી લઈને પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો હતો. તેને રોકવામાં આવતા ફાયરિંગ શરૂ થઇ હતી અને છેવટે મોટી જાનહાનિ થઈ. આ હુમલા સમયે સૈનિકો અને પોલીસકર્મીઓ તૈયાર નહોતા.