અનકેપ્ડ ખેલાડીઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે તેમને આ ઇન્સેન્ટીવ પ્લાન મુજબ આઈપીએલની ટીમો તરફથી વધુ સેલેરી મળશે
મુંબઈ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ખેલાડીઓની હરાજીનું આયોજન આવતીકાલે દુબઈમાં થવાનું છે. આઈપીએલની તમામ 10 ટીમોની સાથે ફેન્સ પણ આ મિની ઓક્શનની આતુરતાહતી રાહ જોઈ રહ્યા છે. આઈપીએલ ઓક્શન 2024 માટે 333 ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 214 ખેલાડીઓ ભારતીય છે. આઈપીએલના મિની ઓક્શન પહેલા બીસીસીઆઈએ એક મોટું પગલું લીધું છે.
બીસીસીઆઈ અનકેપ્ડ ખેલાડીઓ માટે એક પ્રોત્સાહન યોજના શરુ કરવા જઈ રહ્યું છે. આ યોજનાનો હેતુ અનકેપ્ડ ભારતીય પ્લેયર્સની સેલેરીમાં વધારો કરવો છે. જે અનકેપ્ડ ભારતીય ખેલાડીને ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા નથી મળતી તો તેને શરૂઆતના વર્ષમાં માત્ર મેચ ફીસ જ મળે છે. હવે અનકેપ્ડ ખેલાડીઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે તેમને આ ઇન્સેન્ટીવ પ્લાન મુજબ આઈપીએલની ટીમો તરફથી વધુ સેલેરી મળશે.
અત્યાર સુધી જે અનકેપ્ડ ખેલાડી આઈપીએલ ઓક્શનમાં જે કિંમતે ખરીદવામાં આવતો હતો તેણે ત્રણ વર્ષ સુધી એટલી જ સેલેરી મળતી હતી. પરંતુ હવે નવા નિયમો મુજબ આઈપીએલ ઓક્શનમાં અનકેપ્ડ ખેલાડી તરીકે ખરીદવામાં આવેલો ખેલાડી એક સિઝનથી બીજી સિઝન દરમિયાન જેટલી ઇન્ટરનેશનલ મેચ રમશે તેની સેલેરી ફ્રેન્ચાઈઝીને તે મુજબ વધારવી પડશે. દાખલા તરીકે જો કોઈ ખેલાડી ઓક્શનમાં 50 લાખથી ઓછી કિંમતે વેચાયો છે અને પછી તે ઓછામાં ઓછી એક ઇન્ટરનેશનલ મેચ રમે છે તો ફ્રેન્ચાઈઝી તેની સેલેરી વધારીને 50 લાખ કરશે. જો તે ખેલાડી 5થી 9 મેચ રમે છે તો ફ્રેન્ચાઈઝીને તેની સેલેરી 75 લાખ રૂપિયા કરવી પડશે. જો ખેલાડી બે આઈપીએલ સિઝન વચ્ચે 10 ઇન્ટરનેશનલ મેચ રમે છે તો તેની સેલેરી 1 કરોડ રૂપિયા કરવામાં આવશે.
આઈપીએલ 2024ના ઓક્શન માટે 333 ખેલાડીઓની લીસ્ટમાં 116 અનકેપ્ડ, 215 કેપ્ડ અને 2 એસોસિએટ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ મિની ઓક્શનમાં કુલ 119 વિદેશી ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓની સંખ્યા સૌથી વધુ 25 છે. તે પછી ઓસ્ટ્રેલિયાના 21 અને સાઉથ આફ્રિકાના 18 ખેલાડીઓ સામેલ છે. જયારે વેસ્ટ ઇન્ડિઝના 16, ન્યુઝીલેન્ડના 14, શ્રીલંકાના 8, અફઘાનિસ્તાનના 10, બાંગ્લાદેશના 3, ઝિમ્બાબ્વેના 2, નેધરલેન્ડ્સ અને નામિબિયાના 1-1 ખેલાડી પણ આ મિની ઓક્શનમાં સામેલ થવાના છે. જો કે ફાઈનલ ઓક્શનમાં 77 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી શકે છે, જેમાં વિદેશી ખેલાડીઓની સંખ્યા 30 રહેવાની છે.