ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના આ દાયરામાં ઉદ્યોગના સૂક્ષ્મ, એમએસએમઈ સેગમેન્ટ પણ આવી ગયા, નાના ઉદ્યોગોને છ માસની મુદત

નવી દિલ્હી
ભારતમાં હવે હલકી ગુણવત્તાના જૂતા ચપ્પલ બનશે નહીં. સરકારે આ માટે ફૂટવેર કંપનીઓ માટે ધોરણો રજૂ કર્યા છે, જેના આધારે જૂતાનું નિર્માણ કરવામાં આવશે. જોકે ભારતીય ફૂટવેર ઉદ્યોગ સરકારના આ નિયમોમાં કેટલીક છુટ ઈચ્છી રહ્યા હતા. પરંતુ ઉદ્યોગની વિનંતીને નકારતા સરકારે 1 જુલાઈથી ફૂટવેર ઉત્પાદનો માટે ગુણવત્તા નિયંત્રણ આદેશો (ક્યુસીઓ)નું પાલન કરવુ અનિવાર્ય કરી દીધુ છે.
ફૂટવેર ઉદ્યોગ આ આદેશનું પાલન ટાળવા માટે ઘણા દિવસોથી સરકારના સંપર્કમાં હતો અને સમયમર્યાદાને ટાળવાની વિનંતી કરી રહ્યો હતો. પરંતુ સરકારે બુધવારે આ આદેશમાં કોઈ પરિવર્તન કરવાથી ઈનકાર કરી દીધો છે. ફૂટવેર ઉદ્યોગ અને છૂટક વેપારી આ આદેશને એક વર્ષ માટે લંબાવાની વિનંતી કરી રહ્યા હતા. ચામડુ અને ફૂટવેર ક્ષેત્રે સરકારે 27 ઓક્ટોબર 2020એ 3 અનિવાર્ય ક્યૂસીઓ જાહેર કર્યા હતા, જેમાંથી એક આદેશ જાન્યુઆરી 2022થી લાગુ થઈ ચૂક્યો છે અને બાકી આદેશ 1 જુલાઈથી લાગુ થઈ જશે.
ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના આ દાયરામાં ઉદ્યોગના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) સેગમેન્ટ પણ આવી ગયા છે. જોકે ઉદ્યોગના લઘુ એકમો (વાર્ષિક 50 કરોડથી ઓછુ અને 10 કરોડ રૂપિયાના રોકાણ) ને આ આદેશના પાલન માટે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ રીતે લઘુ એકમો પર આ આદેશ એક જાન્યુઆરી 2024થી લાગુ થશે. સૂક્ષ્મ એકમો (વાર્ષિક વેપાર પાંચ કરોડ રૂપિયાથી ઓછો) માટે આ આદેશ એક જુલાઈ 2024થી પ્રભાવી થશે. અગાઉ ફૂટવેર ઉદ્યોગમાં એમએસએમઈ સેગમેન્ટને આ આદેશોથી અલગ રાખવામાં આવ્યુ હતુ.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યુ કે આ આદેશોથી ગુણવત્તાપૂર્ણ ફૂટવેરનું ઉત્પાદન વધારવા, નિકાસ અને વૈશ્વિક બજારોમાં ભારતીય બ્રાન્ડ્સને સ્થાપિત કરવામાં મદદ મળશે. ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓની સાથે બેઠક બાદ પીયૂષ ગોયલે કહ્યુ, અમે નિર્ણય લીધો છે કે ગુણવત્તા નિયંત્રણ આદેશ 1 જુલાઈથી લાગુ થશે. આદેશમાં કોઈ પરિવર્તન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ લંબાવાશે નહીં અને તમામે આ અંગે સંમત થવુ પડશે.
